સુરતના સગરામપુરા સ્થિત તલાવડી વિસ્તારમાં આવેલ મહેન્દ્રકુમાર એન્ડ કંપનીના ફાયનાન્સર મહેન્દ્ર શાહનું બે માસ અગાઉ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી મોહમ્મદ ઝુંબેર પોલીસ પકડથી દૂર હતો. મૂળ ઉત્તરપ્રદેશનો વતની મોહમ્મદ ઝુંબેર મેરઠમાં જ હોવાની માહિતી ત્યાંની પોલીસને મળી હતી. જ્યાં પોલીસે માહિતીના આધારે ઝુંબેરને પકડવા તપાસ હાથ ધરી હતી.
દરમિયાન મેરઠ પોલીસે ઝુંબેરનું ચોક્કસ લોકેશન હાથ લાગ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરવા પ્રયાસ કર્યા હતા. જો કે, પોલીસને જોઈ ઝુંબેરે ભાગવાનો પ્રયાસ કર્યો અને સાથે પોતાની પાસે રહેલ પિસ્તોલ વડે મેરઠ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું. જ્યાં પોતાના સ્વંબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા એન્કાઉન્ટરમાં ઝુંબેર ઠાર મરાયો હતો. ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. જો કે, પોલીસે હાલ તેના મૃતદેહને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના સગરામપુરા ખાતે 5મી માર્ચે ફાયનાન્સર મહેન્દ્ર શાહની હત્યા લૂંટ અથવા સોપારી આપવાથી થઈ હતી કે કેમ તેનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.