સુરત : પાવરગ્રીડ કોર્પોરેશનની નવી શરૂ થયેલી ગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને ન ચુકવાયેલ વળતર બાબતે સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં ખેડૂતો ગુરુવારના રોજ પલસાણા તાલુકાના દસ્તાન ખાતે આવેલી પાવરગ્રીડ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વળતર બાબતે અધિકારીઓએ ગોળ-ગોળ જવાબ આપતા ખેડૂતોએ કચેરીમાં જ મંજીરા સાથે રામધૂન શરૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે અધિકારીઓએ કચેરીમાં વિરોધ ન કરવા જણાવતા કોઈ પણ જાતના ઘર્ષણ વિના કચેરીની બહાર રામધૂન ચાલુ રાખવામાં આવી હતી.
શું હતો મામલો ? પલસાણા તાલુકાના દસ્તાનથી ચોર્યાસી તાલુકાના પોપડા સુધી પાવરગ્રીડની નવી લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે. આ લાઇન શરૂ થવાની હતી તે સમયે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા થયા બાદ ખેડૂતોને જંત્રીના 15 ટકા વળતર ચૂકવવાનું નક્કી થયું હતું. પરંતુ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખેડૂતોને 7.5 જ વળતર ચૂકવાયું છે. બાકીના વળતર માટે અધિકારીઓ ટેકનિકલ કારણો આગળ ધરી ગોળ-ગોળ જવાબ આપી રહ્યા છે.
આ બાબતે કલેકટર અને મામલતદાર સાથે પણ અનેક મિટિંગો કરવામાં આવી છે. તેઓએ પણ ખેડૂતોના પક્ષે જ અભિપ્રાય આપ્યો છે. આ બાબત ઘણા વર્ષોથી ચાલતી હોવાથી વળતરના ચૂકવણામાં જે વિલંબ થયો છે એના વ્યાજ માટે પણ લડત ઉપાડવામાં આવશે. -- પરિમલ પટેલ (પ્રમુખ, સુરત જિલ્લા ખેડૂત સમાજ)
ખેડૂતોનો આક્ષેપ : સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ન ચુકવાયેલ વળતર બાબતમાં પાવરગ્રીડ અધિકારીને ખેડૂતો મળવા પહોંચ્યા હતા. પરંતુ હર હંમેશની જેમ ટેકનિકલ કારણો જણાવી વળતર બાબતે ગોળ-ગોળ જવાબ મળતા ખેડૂતો અકળાઈ ગયા હતા. ખેડૂતોએ એમની કચેરીમાં જ મંજીરા સાથે રામધૂન ચાલુ કરી દીધી હતી. અધિકારીએ ખેડૂતોને કહ્યું હતું કે, તમે આ રીતે કચેરીમાં વિરોધ કરી શકો નહિ, જેથી ખેડૂતો કોઈપણ જાતના ઘર્ષણ વિના કચેરી વિસ્તારની બહાર જઈ ત્યાં રામધૂન ચાલુ રાખી હતી.
પોલીસે સમાધાન કરાવ્યું : ખેડૂતોનો વિરોધ પ્રદર્શનને પગલે 2 કલાકમાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ખેડૂત આગેવાનોને પાવરગ્રીડના અધિકારી સાથે ચર્ચા કરવા માટે વિનંતી કરી હતી. ખેડૂત આગેવાનો તેઓની વાતનું માન રાખીને ચર્ચા કરવા તૈયાર થયા હતા. ચર્ચાને અંતે સોમવાર સુધીમાં જે ટેકનિકલ કારણો બતાવવામાં આવ્યા હતા, એ બધા કારણોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવતા ખેડૂતોએ સોમવાર સુધી સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. હાલ પૂરતા રામધૂન સાથેના ધરણા બંધ કરવામાં આવ્યા હતા.