સુરત: શહેરમાં ક્રાઇમની ઘટના દિવસે દિવસે વધી રહી છે. હત્યાની ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.
લેતી દેતીની અદાવત: સુરત શહેરના ચોક બજાર ખાતે વહેલી સવારે ચાર વાગ્યે ખુની ખેલ ખેલાયો હતો. સવારે ચાર વાગ્યે કેટલાક લોકો જુના પૈસાની લેતી દેતીની અદાવત રાખી એકબીજા સાથે લડી પડ્યા હતા. વિવાદ આટલી હદે વધી ગયો કે ચાર વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જેમાં બે વ્યક્તિઓનું મોત નીપજ્યું છે. ડબલ મર્ડરની આ ઘટના અંગે જાણકારી મળતા ચોક બજાર પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુદ્ધના ધોરણે ટીમ બનાવીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ડિસ્ચાર્જ પણ કરી દેવાયો: વહેલી સવારે ચારેક વાગે નાસીર અને દિવાન નામના જણને ચાર વ્યક્તિઓ સાથે જુના પૈસા લેતી દેતી બાબતે વિવાદ થયો હતો. જેમાં રાજુ અને કૈલાશ નામના બે જણની હત્યા કરવામાં આવી છે. અન્ય લોકો ઇજાગ્રસ્ત છે. એક ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયો છે. આ બાબતે હત્યાનો ગુનો નોંધી ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેટલી રકમ હતી ? એ પોલીસ તપાસ કરી રહી છે--સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી
અટકાયત કરી પૂછપરછ: આ ઘટનામાં આવેલી સવારે આઠ હુમલાખોરો એ ચાકુ વડે હુમલો કરી બે વ્યક્તિઓની હત્યા કરી નાખી હતી. જેમાં ચાર વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઈ છે. પોલીસે ચાર વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ પણ હાથ ધરી છે. ખાણીપીણીની જગ્યાએ આ ઘટના બની હતી. આ તમામ લોકો શા માટે ત્યાં એકત્રિત થયા હતા. તે અંગેની તપાસ પણ પોલીસે હાથ ધરી છે.