સુરત : સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકના મોઢા ઉપર પર શ્વાને હુમલો કરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં બાળકની સારવાર કરવામાં આવી રહી છે.
મોઢાના ભાગે શ્વાને બચકા ભર્યા : સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ઉધના,પાંડેસરા,ખટોદરા વિસ્તારમાં એક દિવસમાં 4 બાળકને બાળકોને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં રહેતા પરશુરામ ચૌબે જેઓ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો એક પાંચ વર્ષનો પુત્ર આર્યન આજરોજ પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે જ અચાનક જ બે શ્વાનોએ તેની ઉપર હુમલો કર્યો હતો અને મોઢાના ભાગે શ્વાને બચકા ભરતા તે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ જોતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Dog Bite in Surat : સુરતમાં શ્વાનનો આતંક યથાવત, વધુ એક બાળકને શ્વાને બચકાં ભરી લીધાં
4 બાળકોને શ્વાન કરડતાં સારવાર માટે લવાયાં : બાળકને તાત્કાલિક સારવાર હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ બાળકની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.આ બાળકોને શ્વાન દ્વારા ખૂબ જ ગંભીર રીતે બચકા ભરવામાં આવ્યા હતા. આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે, આજરોજ સવારે 10 વાગ્યાની આસપાસ એક સાથે જ અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 4 બાળકો આવ્યા હતા. જેમાં આ બાળકોને શ્વાન દ્વારા ખૂબ જ ગંભીર રીતે બચકા ભરવામાં આવ્યા હતા.
સારવાર બાદ રજા આપી : આ કેસોમાં પાંડેસરામાંથી પાંચ વર્ષના બાળકને લાવવામાં આવ્યો હતો જેને શ્વાને મોઢાના ભાગે બચકા ભર્યા હતા. ઉધના વિસ્તારમાંથી 6 વર્ષના બાળકને લાવવામાં આવ્યો હતો, જેને શ્વાન દ્વારા પાછળના ભાગે બચકા ભર્યા હતા અને ખટોદરા વિસ્તારમાંથી બે બાળકોને લાવવામાં આવ્યા હતા. જેમાં પાંચ વર્ષના બાળકને લાવવામાં આવ્યો હતો. જેને હાથના ભાગે શ્વાને બચકા ભર્યા હતા અને 7 વર્ષના બાળકને પગના ભાગે બચકા ભર્યા હતા. હાલ આ તમામ બાળકોને હોસ્પિટલમાંથી સારવાર આપી રજા આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ
હોસ્પિટલમાં રોજના 15 થી 17 ડોગ બાઈટના કેસ : વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં રોજના 15 થી 17 ડોગ બાઈટના કેસો આવે છે. એમાં ડોગ દ્વારા નખ પણ મારવામાં આવેલા હોય તો તેનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે. હોસ્પિટલમાં ડોગ બાઈટના ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે. તે ઉપરાંત ડોગ બાઈટ માટે આવેલા દર્દીઓ માટે જે અલગથી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તે પણ 24 કલાક અને બે શિફ્ટમાં કાર્ય કરવામાં આવે છે.