સુરત: અલથાણ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવાર ઉપર ત્યારે આફત તૂટી પડી જ્યારે તેની વ્હાલસોયી બાળકીનો અકસ્માતે હાથ ખભાથી અલગ થઈ ગયો. શ્રમજીવી પરિવારની 1 વર્ષની આ બાાળકીનો હાથ ટ્રોલી લીફ્ટમાં આવી જતા ખભાથી છૂટો પડી ગયો હતો. આવી પરિસ્થિતિમાં શ્રમજીવી પરિવાર પોતાની બાળકીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
લીફ્ટની મોટરમાં કપડુ ફસતા બની ઘટના: સુરત શહેરના અલથાણ વિસ્તાર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસમાં મજૂરી કામ કરી રહેલા મુકેશ રાવત નામના શ્રમિકની વર્ષની બાળકી મોટી દુર્ઘટનાનો શિકાર બની હતી. બાળકીની માતા જ્યારે બાળકીને કપડામાં લપેટીને લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે અચાનક જ લિફ્ટની મોટરમાં કપડું ફસાઈ ગયું હતું, અને આ દરમિયાન બાળકીનો હાથ લિફ્ટની મોટરથી ખેંચાતા બાળકીનો હાથ ખભાથી અલગ થઈને છૂટો પડી ગયો. બાળકીની આ સ્થિતિ જોઈને માતા-પિતા બેબાકળા બની ગયાં હતાં અને તરત જ બાળકીને ટુવાલમાં લપેટીને સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતા. બાળકીની સ્થિતિ અને છૂટા પડેલા હાથને જોઈ ડોક્ટરો પણ તરત જ એક્શનમાં આવી ગયા હતા અને ડોક્ટરોની ટીમ દ્વારા બાળકીની સર્જરી માટેની તૈયારી શરૂ કરી હતી.
તબીબો બન્યા દેવદૂત સમાન: સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટ ગણેશ ગોવેલકરે આ અંગે જણાવ્યું હતું કે, આશરે 3 કલાક સુધી સર્જરીની પ્રક્રિયા ચાલી હતી. બાળકીનો હાથ ખભાથી અલગ થઈ જવાની આ સ્થિતિ ખૂબ જ ક્રિટીકલ હતી. ડોક્ટરોએ તમામ નસ અને હાડકા જોડવાનું કામ કર્યું, પ્લાસ્ટિક સર્જરી અને સર્જરીના ડોક્ટરો દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. સામાન્ય રીતે જોવા જઈએ તો આ ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં ત્રણ લાખ રૂપિયા સુધીનું થાય છે પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું.
જટિલ પરંતુ સફળ સર્જરી: સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેટ ગણેશ ગોવેલકરે ઉમેર્યુ હતું કે, આ બાળકીનું ઓપરેશન સફળ થયું છે, અને બાળકીની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રયાસ કરી રહ્યા છે કે સર્ક્યુલેશન ચાલુ રહે જો કોઈ મુશ્કેલી થશે તો આગળ સર્જરી કરવી છે કે નહીં તે અંગે ડોક્ટરોની ટીમ નિર્ણય લેશે. જોકે આવનાર 72 કલાક સુધી તબીબો સતત ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. બાળકીના પિતા મુકેશ રાવત શ્રમિક છે અને મૂળ બિહારના રહેવાસી છે તેઓ છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહે છે અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.