સુરત: અમદાવાદ તથ્ય કાંડમાં 9 નિર્દોષ લોકોનાં અકાળે થયેલા મોતની ઘટનાનાં પગલે ગુજરાત શરૂ રાજ્ય સહિત સુરત જીલ્લાની પોલીસ એક્શનમાં આવી છે. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે કોસંબાથી કડોદરા વચ્ચે બેફામ વાહન ચલાવતા લોકોને આંતરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી કોસંબા, કામરેજ, કડોદરા ખાતે ઓવર સ્પીડ ગન મુકી વધુ ગતિથી વાહન હંકારનારાઓ સામે કાર્યવાહીનો દોર કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

સ્પીડ ગનથી સજ્જ પોલીસકર્મીઓ: હાલ એનએચઆઇદ્વારા પાંચ પાંચકિલોમિટરનાં અંતરે હાઇવે ઉપર સ્પીડ પ્રતિરોધક સાયનેચ બોર્ડ મુકવામાં આવ્યા છે. ફોર વ્હિલ માટે 100 કિ.મી.ની સ્પીડ તેમજ ભારે વાહનો માટે 80 કિ.મી.ની પ્રતિ સ્પીડનાં કાયદા વિરૂધ બેફામ વાહન ચલાવતા લોકોને અંકુશમાં લેવા માટે સુરત જીલ્લા ટ્રાફિક પોલીસે કોસંબા, કામરેજ અને કડોદરા, પલસાણા ખાતે સ્પીડ ગનથી સજ્જ પોલીસકર્મીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

ઓવર સ્પીડ સામે લાલ આંખ: છેલ્લા એક સપ્તાહમાં સુરત જીલ્લા ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડની 183 કલમ મુજબ 300થી વધુ ગુનાઓ નોંધી આવા વાહન ચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવ્યો હતો. ત્યારે બેદરકારી પુર્વક વાહન ચલાવવાની 279ની કલમમાં જિલ્લા ટ્રાફિક પોલીસે 200થી વધુ ગુનાઓ નોંધ્યા હતા. તેમજ હેલ્મેટ વગર હાઇવે ઉપર બાઇક કે મોપેડ ચલાવતા ચાલકો સામે જિલ્લા ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છેલ્લા એક સપ્તાહમાં 350થી વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી ટ્રાફિક ડ્રાઇવ ચલાવવાના આદેશ કરાયા છે. જેને પગલે સુરત જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે.નેશનલ હાઇવે પર ઓવર સ્પીડ વાહનો ચલાવતા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓને ઇ - મેમો આપવામાં આવી રહ્યો છે. - પી ડી ગોંડલિયા, PI, ટ્રાફિક પોલીસ
વાહન ચાલકનાં એડ્રેસ ઉપર ઇ-મેમો ચલણ આપી દંડનીય વસુલાત
ઇ-મેમો ચલણ આપી વસુલાત: હાઇવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ઉભા કરાયેલા સ્પીડ ગન પોઇન્ટ ઉપર ઓવર સ્પીડ વાહનોનાં ફોટા ખેંચાઇ જઇ જેની ગતિ પણ અંદર નોંધાય છે. જેનાં માધ્યમથી વાહન ચાલકનાં એડ્રેસ ઉપર ઇ-મેમો ચલણ આપી દંડનીય વસુલાત કરવામાં આવે છે. ત્યારે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ ડ્રાઈવને લઈને ઓવર સ્પીડ તેમજ ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
