સુરત : ગઈકાલે મોડી સાંજે આવેલા વાવાઝોડામાં 19 વર્ષીય યુવક પર પતરાનો શેડ પડી જતા મૃત્યુની ઘટના સામે આવી છે. શહેરના પુણાગામમાં આવેલા શિવધારા સોસાયટીમાં રહેતો 19 વર્ષીય દેવ્યાંશુ વિરેન્દ્ર મોરડીયા જેઓ ઈલેક્ટ્રીક બાઈકની કંપનીમાં સર્વિસનું કામ કરતો હતો. ગઈકાલે તે સરથાણા વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ટ્રસ્ટના પુસ્તકોનું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં ઇલેક્ટ્રિક બાઈક મુકવામાં આવી હતી. એક્સપોની મુલાકાત લેનાર લોકોને ઇલેક્ટ્રિક બાઈક વિશે માહિતી પૂરી પાડતો હતો. ત્યારે ગઈકાલે સાંજે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે તે બહાર આવી ગયો હતો. ભારે પવનના કારણે ભારી ભરખમ ડોમનું એક પતરું દેવ્યાંશુના છાતીના ભાગે પડી ગયું હતું.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન કર્યું : યુવક ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જોકે હોસ્પિટલમાં સાંજના 8 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નઈ હતું. કારણ કે હોસ્પિટલ દ્વારા આ મામલે પરિવારને જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં ઘટના બની છે તે ઘટનાનું પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલના હદમાં આવ્યું છે. જેને કારણે પોલીસ અને પરિવારને ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. અંતે મૃતદેહને લઈને સિવિલ હોસ્પિટલ લઇ આવી હતી અને અહીં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જોકે આ સ્મીમેર હોસ્પિટલની બેદરકારી કહી શકાય છે.
મારી પાસે એક ફરિયાદ આવી હતી કે, એક યુવક જેનું નામ છે. દેવ્યાંશુ વિરેન્દ્ર મોરડીયા 18 વર્ષનો હતો. જેઓનું ગઈકાલે આવેલા વાવાઝોડામાં ઠેક ઠેકાણે ઝાડ પડવાના તેમજ મકાનોના પતરા ઉડવાના બનાવો બન્યા હતા. જેમાં એક પતરાનો મોટો ભારીભરખં સેડ તેમના છાતીના ભાગે પડી પડવાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને ડોક્ટરો દ્વારા તેમને CPR આપવામાં આવ્યો હતો, ત્યારબાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. - ડો.ગણેશ ગોવેકર (સુપ્રિટેન્ડેન્ટ)
પરિવાર-પોલીસ હેરાન પરેશાન : વધુમાં જણાવ્યું કે, બોડી ઉપર ઈજાઓ હોવાના કારણે તેમનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હતું. જેની માટે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું, જ્યાં સાંજે 7 વાગે હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે ડોક્ટરે કહ્યું કે, આ પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલના હદમાં આવેલું છે જેના કારણે અમે પોસ્ટમોર્ટમ કરીશું નહીં. જેને કારણે પોલીસ અને પરિવારને ખૂબ જ તકલીફ પડી હતી. તે સાથે જ હોસ્પિટલ દ્વારા બોડીને જે રીતે મૂકવી જોઈએ તે રીતે મુકવામાં આવી ન હતી. પછી આજે બપોરે 12:00 વાગે જ્યારે બોડી લઈને આવ્યા તો અહીં તેનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને મૃતદેહ આપી દેવામાં આવ્યો હતો.