સુરતના ખટોદરા પોલીસના કર્મચારીઓ દ્વારા ચોરીના આરોપસર ત્રણ શકમંદ આરોપીઓને ગેરકાયદે અટકાયત કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. રામગોપાલ પાંડે, જયપ્રકાશ પાંડે અને ઓમપ્રકાશ પાંડે નામના શકમંદ આરોપીઓને ગુનાની કબૂલાત કરાવવા પોલીસ દ્વારા થર્ડ ડિગ્રી આપવામાં આવી હતી. જ્યાં ત્રણ પૈકીના એક ઓમપ્રકાશ પાંડેની હાલત ગંભીર થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
આ ઘટનામાં ખટોદરા પીઆઇ, પીએસઆઇ સહિત કુલ 8 પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યાં બીજી તરફ મૃતકના મૃતહેહનો કબજો પરિવારને સોંપવા પોલીસ દ્વારા વતન જાણ કરવામાં આવી હતી. જ્યાં મંગળવારે મૃતકનો પરિવાર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહનો સ્વીકાર કરશે.
મૃતકના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, પોલીસના મારથી તેના ભાઈનું મોત થયું છે. સમગ્ર કેસમાં ન્યાયિક તપાસ કરી કસુરવારો સામે પગલાં ભરવા જોઈએ. મહત્વનું છે કે, આરોપી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાવાને આજે ત્રીજો દિવસ વીત્યો છતાં આરોપીઓની ધરપકડ કરવામાં સુરત પોલીસ નાકામ રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આરોપી પોલીસ કર્મચારીઓ છાવરી રહ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ હાલ જોરશોરથી ચાલી રહી છે.