સુરત : તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની સુરત ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે. તાંત્રિક પર આરોપ છે કે મહિલાને તાંત્રિક વિધિ કરી ઘરમાં રૂપિયાનો વરસાદ થશે. તેવી વાતો કરી વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ આરોપીએ આચાર્યું હતું. ફરિયાદી મહિલાના ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં ડીંડોલી પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે.
ફરિયાદી મહિલાની ફરિયાદના આધારે 56 વર્ષના આરોપી અહેમદ નૂર પઠાણની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ જણાવ્યું હતું કે તાંત્રિક વિધિના નામે તેને રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આરોપીએ ગુજાર્યું છે. જેની તપાસ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ મેડિકલ તપાસ બાદ અન્ય કાર્યવાહી કરવામાં આવશે...ભગીરથ ગઢવી (ડીસીપી)
વિધિ કરવા ફોસલાવી રુમમાં લઇ ગયો : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી મહિલા છેલ્લા ઘણા સમયથી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી હતી. મહિલાના પાડોશમાં રહેતા અન્ય મહિલાએ તેમને આર્થિક સમસ્યા દૂર કરવા માટે એક તાંત્રિક પાસે જવા માટેની સલાહ આપી હતી. પાડોશી મહિલાએ જણાવ્યું હતું કે તાંત્રિક વિધિ કરશે તો તેની આર્થિક પરિસ્થિતિ સારી થઈ જશે. પાડોશી મહિલાની વાત સાંભળી ફરિયાદી તાંત્રિક પાસે વિધિ કરાવવા માટે ગઈ હતી. તાંત્રિકે ફરિયાદીને લોભાવની વાતોમાં બહેલાવી ફોસલાવી વિધિ કરવા માટે રૂમમાં લઈ ગયો હતો અને ફરિયાદી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
રૂપિયાનો વરસાદ થવાનું પ્રલોભન : ફરિયાદીએ આ અંગે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે રહેતા અહેમદ નૂર અલાનુર પઠાણએ જણાવ્યું હતું કે વિધિ બાદ રૂપિયાનો વરસાદ થશે. મહિલાના ભાગ્યમાં લક્ષ્મી છે માત્ર તાંત્રિક વિધિ કરાવવાની જરૂરિયાત છે. મહિલાના ફરિયાદના આધારે પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે.