સુરત : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બાઈક પર ઉભા રહીને સ્ટંટ કરનાર બે લોકોની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર છવાઈ જવાનું ઘેલું હાલ યુવાનોમાં વધારે જોવા મળે છે. તે માટે તેઓ પ્લેન સ્ટંટ પણ કરતા નજરે પડે છે. આવા જ બે યુવાનોની ધરપકડ વિડીયો વાયરલ થયા બાદ ઉમરા પોલીસે કરી છે.
છૂટક મજૂરીકામ કરતાં આરોપી : બંન્ને આરોપી છૂટક મજૂરી કરે છે. બંને આરોપી સુપર બાઈક પર સ્ટંટ કરતા અને પોતાનો જીવ જોખમે મૂકી રિલ્સ બનાવતા વાયરલ થયા હતાં. ત્યારબાદ પોલીસે બંને ઉપર કાર્યવાહી કરી છે.
ઉમરા પોલીસે ધરપકડ કરી : સોશિયલ મીડિયાના યુગમાં પોતાને રિલ્સ અને શોર્ટ વિડીયોના માધ્યમથી ફેમસ થવા માટે હાલના યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અવારનવાર આ પ્રકારનો વિડીયો પણ સામે આવતો હોય છે. શહેરના ઉમરા વિસ્તારમાં જાહેર રોડ પર બાઈક પર સ્ટંટ કરતાં બે યુવાનોની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ ઉમરા પોલીસ મથકમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 279 મુજબ આ બંને સામે કાર્યવાહી કરવામાં આવી છે. બંને યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તથા અન્ય માણસોનું જીવ ભયમાં મૂકે તેવી રીતે જાહેર રોડ પર બાઈક સ્ટંટ કરી રહ્યા હતા. 21 વર્ષીય ધીરજ વિક્રમસિંહ ચૌહાણ જ્યારે 18 વર્ષીય કિશોર ધાનકાની ધરપકડ કરવામાં આવી છે. બંને છૂટક મજૂરી કરે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ બંને બાઈક પર આ સ્ટંટ કરી પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમે મૂક્યાં હતાં...જે. જી. પટેલ(ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર)
બાઈક પર ઉભો રહી જોખમી સ્ટંટ : આ બંને યુવાનો મિત્ર છે અને તેમનો વિડીયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક યુવક ચાલુ બાઈક પર ઉભો રહી જોખમી સ્ટંટ કરી રહ્યો છે. સુરતના કેબલ બ્રિજની આ ઘટના હતી. જ્યારે આ જ બાઈક પર અન્ય યુવક પણ આવી જ રીતે જીવના જોખમે ચાલુ બાઈક પર ઉભા રહીને સ્ટંટ કરે છે.
યુવાનોએ માફી માંગી : બન્ને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી વીડિયોમાં જે લોકેશન જોવા મળે છે. તે સુરતના ઉમરા વિસ્તારના હોવાથી સીસીટીવી ફૂટેજ અને ગાડી નંબરના આધારે યુવાનોની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ યુવાનોએ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં આવી રીતે જીવના જોખમે ક્યારે પણ રિલસ બનાવશે નહીં.. બંને યુવાનોએ એક જ દિવસે આ વિડીયો બનાવ્યો હતો. એક જ બાઈક પર અલગ અલગ જગ્યાએ બંને યુવાનોએ સોશિયલ મીડિયામાં મુકવા માટે આ જીવના જોખમે વિડીયો બનાવ્યો હતો.