સુરતઃ પૈસા ગમે તેવી મિત્રતાને દુશ્મનીમાં ફેરવી શકે છે. આવો કિસ્સો સુરત શહેરમાં બે મિત્રો વચ્ચે બન્યો છે. આ કિસ્સામાં ઉછીના રુપિયા પરત ન કરતા એક મિત્રએ બીજા મિત્રની કરપીણ હત્યા કરી દીધી. માત્ર 1500 રુપિયા માટે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો પડ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉત્તર પ્રદેશના વતની આશિષ પાંડેએ પોતાના મિત્ર અને પાડોશી કાલિકા પ્રસાદ પાસેથી 1500 રુપિયા ઉછીના લીધા હતા. કાલિકા પ્રસાદે મુદત પૂરી થતા પૈસાની ઉઘરાણી શરુ કરી હતી. આશિષ હંમેશા પૈસા આપવાની વાત ટાળી દેતો હતો. આ દરમિયાન કાલિકા પ્રસાદ અન્ય સ્થળે રહેવા જતો રહ્યો. તે બીજે રહેતો હોવા છતાં આશિષ પાસે ઉઘરાણી કરતો રહ્યો. આશિષની આડોડાઈથી કંટાળીને કાલિકા પ્રસાદ પોતાના જૂના ઘરે આશિષની શોધમાં આવ્યો. આશિષ મળતા જ કાલિકા પ્રસાદે ઉઘરાણી શરુ કરી. આશિષે પૈસા ન હોવાનું જણાવ્યું. કાલિકા પ્રસાદે આવેશમાં આવી પોતાની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારથી આશિષ પર હુમલો કરી દીધો. હુમલા બાદ કાલિકા પ્રસાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. લોહીલુહાણ આશિષને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.
આરોપી કાલિકા પ્રસાદ પણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. અગાઉ તે આશિષની સોસાયટીમાં ભાડે રહેતો હતો. ત્યારે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. તે સમયે કાલિકા પાસેથી આશિષે 1500 રૂપિયા ઉછીના લીધા હતા. જોકે અવારનવાર પૈસાની માંગણી કરવા છતાં આશિષે કાલિકાને પૈસા પરત કર્યા નહતા. ઘટનાના દિવસે કાલિકા પ્રસાદે ઉશ્કેરાઈને આશિષ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો. સિવિલમાં સારવાર માટે ખસાડાયેલા આશિષને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે સત્વરે આરોપી કાલિકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે...ઝેડ. આર. દેસાઈ(એસપી, સુરત)