સુરત : કામરેજમાં પરિણીતાનાં સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને વારંવાર માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે કામરેજ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
થોડા સમય પછી હેરાનગતિ શરુ કરી : પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજનાં સુર્યદર્શન સાઇલેન્ટ સીટી વાવ ગામ તા.કામરેજ ખાતે રહેતા પ્રદિપભાઇ પરષોત્તમભાઇ જીણાદ્રાની પુત્રીનાં લગ્ન કામરેજની શુભનંદની સોસાયટીમાં રહેતા સંજય કાળુભાઇ જીણાદ્રા સાથે થયા હતા. જોકે લગ્નનાં થોડા સમય સુધી પતિ અને સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને સારી રીતે રાખ્યા બાદ તેને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું.
કરીયાવરની માગણી : પરિણીતાને તેના પતિ સંજયે જણાવ્યુ હતુ. કે તારા માબાપએ કરીયાવર આપવો પડે જે માટે અમારી સાથે હજુ સુધી સમાધાન કરેલ નથી. તારા મામા પાસેથી સોનાની ચેઇન અને પાંચ લાખ રૂ રોકડા લઇ આવ જેવું જણાવી ગાળો આપી માર મારી અપમાનિત કરવામાં આવતી હતી.
જાનથી મારવાની ધમકી આપી : પતિ, દિયર સહિત સાસરિયા પક્ષ દ્વારા ભેગા મળીને હેરાનગતિ અને માનસિક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા અંતે રોજીંદા ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાનાં પતિ સહિત સાસરિયા પક્ષની ઉપરોક્ત તમામ કરતૂત અંગેની ફરિયાદ કામરેજ મહિલા પોલીસમાં નોંધાવી હતી.
પાંચ સામે ફરિયાદ : પરિણીતાની ફરિયાદને લઇને હાલ કામરેજ પોલીસે પતિ સંજય કાળુભાઇ જીણાદ્રા, સસરા કાળુભાઇ બાબુભાઇ જીણાદ્રા, સાસુ ગીતાબેન કાળુભાઇ જીણાદ્રા, દિયર રવિ કાળુભાઇ જીણાદ્રા, દેરાણી મોના રવિભાઇ જીણાદ્રા મળી ઉપરોક્ત પાંચેય વિરુદ્ધ 398(a), 354, 354(c), 294(b), 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મામલાને લઇને મહિલા પોલીસ મથકના પીઆઇ સી. બી. ચૌહાણે જણાવ્યું હતું કે હાલ ફરિયાદી મહિલાની ફરિયાદ મુજબ ચાર લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.