સુરતઃ લિંબાયત વિસ્તારમાં ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. બાળકીના પાડોશમાં રહેતો 36 વર્ષીય આરોપી માનસિક રીતે વિકૃત છે. ઘટના બાદ બાળકીએ રડતા રડતા ઘરે સમગ્ર વિગત જણાવતા ભાંડા ફોડ થયો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ લિંબાયતમાં મૂળ બિહારનો એક પરિવાર રહે છે. જેમાં પિતા માર્કેટમાં શ્રમજીવીનું કામ કરી ગુજરાન ચલાવે છે. માતા સાડીમાં સ્ટોન ટાંકીને ઘરને આર્થિક રીતે મદદરુપ થાય છે. આ પરિવારમાં એક બાળકી ધો.3માં અભ્યાસ કરે છે. આ પરિવારના પાડોશમાં મૂળ બિહારનો 36 વર્ષનો અન્ય એક યુવક રહે છે. આ યુવક માનસિક વિકૃત છે. બનાવના દિવસે રાત્રે માતા સ્ટોન લગાડેલ સાડી નજીકના વેપારીને પરત કરવા ગઈ હતી. પાડોશમાં રહેતા આ યુવકે બાળકીને પોતાના ઘરમાં બોલાવી હતી. આ યુવકે એકલતાનો લાભ લઈને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ હરકતથી હતપ્રભ બનેલ બાળકી રડતા રડતા પોતાના ઘરે આવી ગઈ. રડતી બાળકીએ સમગ્ર આપવીતી જણાવતા આ ગુનો સામે આવ્યો હતો. આ બનાવમાં લિંબાયત પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ કાર્યવાહીઃ આ યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પીએસઆઈ વાય. જે. અંજારિયા દ્વારા માનસિક રીતે વિકૃત એવા 36 વર્ષીય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપી મૂળ બિહારનો અને ગયા જિલ્લાનો વતની છે.
પીડિત બાળકીના પિતાએ લિંબાયત પોલીસ મથકમાં આરોપી મકસુદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 363, 354(ક)(1), 354(ઘ)(1), 342 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ વાય. જે. અંજારિયાને આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી...એસ.ડી. પધીરીયા(પીઆઈ, લિંબાયત પોલીસ સ્ટેશન, સુરત)