સુરત : કામરેજના ડુંગરા ગામે એક વિચિત્ર ઘટના સામે આવી હતી. ગામના ઉપસરપંચ અને વ્યવસાયે ખેડૂત દિવ્યેશભાઈ પટેલના ખેતરમાં અસામાજીક તત્વોએ ભારે નુકસાન કર્યું હતુંં. દિવ્યેશભાઈના ઉભા પાકમાં નિલગીરીના 1000 જેટલા વૃક્ષોને અજાણ્યા ઈસમોએ કાપી નાખ્યા હતા. આ અંગેની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જોકે, પોલીસ પણ આ વાત જાણીને આશ્ચર્યમાં પડી ગઈ હતી.
લાખોનું નુકશાન : ડુંગરા ગામના ઉપસરપંચના ખેતરમાં અસામાજીક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં પણ આ અસામાજિક તત્વોએ બાજુના કારેલાના ખેતરમાં પણ મોટું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે. અજીબોગરીબ ઘટનામાં બંને ખેડૂતોને 1.80 લાખનું નુકસાન થયું હોવાનું હાલ જાણવા મળ્યું હતું.
ફરિયાદીએ ત્રણ વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી હતી. તેઓને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.-- અનિલભાઈ (બીટ જમાદાર, કામરેજ પોલીસ મથક)
કોના પર શંકા ? ખેડૂતોએ કામરેજ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ કૃત્યમાં ગામના જ ત્રણ લોકો વિરુદ્ધ આશંકા દેખાય રહી છે. થોડા સમય પહેલા ગ્રામજનોની ફરિયાદને લઈ દારૂની ભઠ્ઠી બાબતે કામરેજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકોએ જ પોલીસ ફરિયાદની અદાવતમાં નુકસાન કર્યું હોવાની આશંકા લાગી રહી છે. આ ઉપરાંત ગામમાં બની રહેલા ક્રિકેટ ગ્રાઉન્ડની કમિટીનો પાણી વિવાદ ચાલી રહ્યો છે. કમિટીમાં નહીં લેવાયેલા વ્યક્તિઓ પણ આવું કરી શકે છે.
પોલીસ તપાસ : આ મામલે ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરિયાદના આધારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જોકે હાલ પોલીસ પૂછપરછ ચાલી રહી છે. ત્યારે પોલીસ આવા અસમાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે.