સુરત : સુરતની સરકારી સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ડોક્ટરો વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવી છે.જેમાં રેસિડેન્ટ ડોક્ટરને સિનિયર ડોક્ટરે ત્રીજા માળે આવેલા વોર્ડથી છેક બીજા માળ સુધી દોડાવીદોડાવીને મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ આ મામલે સ્વીમેર હોસ્પિટલના સત્તા અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અમને આ ઘટનાને ગઈકાલે સવારે જાણ થઈ હતી કે આ રીતની એક મારામારીની ઘટના સામે આવી છે. તે દરમિયાન હું અને ડીનસાહેબ સાથે જ બેઠા હતાં. તે સમય દરમિયાન અમે ઓર્થોના એચઓડીને બોલાવીને પૂછવામાં આવ્યું હતું કે આ ઘટના શું છે? પરંતુ આ ઘટના અંગે તેમને પણ જાણ ન હતી. જે યુનિટના રેસિડેન્ટ અને સિનિયર ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે એચઓડીએ પણ બંને રેસિડેન્ટ અને સિનિયર ડોક્ટર જોડે વાતચીત કરી હતા અને આ બંને ડોક્ટરોએ પોતાની અંગત વાતને લઈને ઝઘડો કર્યો હતો. આ મામલે કોઈ કમ્પ્લેઇન પણ આવી ન હતી...ડો.જીતેન્દ્ર દર્શન (સુપરિન્ટેન્ડન્ટ, સ્વીમેર હોસ્પિટલ)
અન્ય સ્ટાફે બચાવ્યો : જૂનિયર રેસિડેન્ટ ડોક્ટરની બચાવો બચાવોની બુમો સાંભળી સિક્યુરિટી માર્શલ અને વોર્ડબોયે દોડી આવી તેને બચાવ્યો હતો. રાત્રે જ આખો મામલો આરએમઓ વિભાગના ઇન્ચાર્જ વડા અને યુનિટ વડા સુધી પહોંચી ગયો હતો. જોકે, સિનિયર દ્વારા જૂનિયરને માર મારવાની આ ઘટના અંગે બીજા દિવસે સવાર સુધી ડીન અને સુપરિન્ટેન્ડેન્ટને અંધારામાં રાખવામાં આવ્યા હતાં.
વધુ તપાસ શરૂ કરી : તેમણે વધુમાં જણાવ્યું કે આ મામલે અમે રિપોર્ટ બનાવીને ડીનને મોકલી આપ્યો છે. કારણ કે આ ઘટનાને લઈને હોસ્પિટલનું ડિસિપ્લિન બગડ્યું છે. જેથી આની તપાસ માટે આ રિપોર્ટ બનાવવાના આદેશ આપ્યા છે. ઉપરાંત રેસિડેન્ટ અને સિનિયર ડોક્ટરો ડીનના અંડરમાં આવે છે. તથા આ પહેલા પણ આ રીતે મારામારીની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને તે મામલે પણ આ જ રીતે તપાસ કરવામાં આવી હતી. તે ઘટના પણ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં જ થઈ હતી. તે સમય દરમિયાન પણ બંને ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. કારણ કે હોસ્પિટલમાં આ રીતે બંને ડોક્ટરો વચ્ચે મારામારી કરવી એ ખૂબ જ ગંભીર બાબત છે અને તે હોસ્પિટલના ડિસિપ્લિનને બગાડવાનો પ્રયાસ કરે છે. કારણ કે આટલા ભણેલાગણેલાંં ડોક્ટરો આ રીતનું કરે તે યોગ્ય નથી.
મામલો રફેદફે કરવાની ગણતરી : જૂનિયર રેસિડેન્ટનું સિનિયર રેસિડેન્ટ સાથે સમાધાન થઈ ગયાના નામે આખો મામલો રફેદફે કરવાની ગણતરી સાથે વિભાગના તબીબી અધિકારીઓએ ડીન અને સુપરિન્ટેન્ડેન્ટને અંધારામાં રાખ્યા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જ્યારે તબીબી અધિકારીઓના એક જૂથ દ્વારા આ બંને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે અંગત વાતને લઈને ઝઘડો - વ્યક્તિગત વિવાદ હોવાનું કહી બચાવ કરવામાં આવી રહ્યો છે. છતાં પણ સમગ્ર પ્રકરણ અંગે સ્મીમેરના જવાબદારોએ તપાસ શરૂ કરી છે.