સુરત : સુરતના આ ક્રાઇમ કેસમાં પોલીસે પોલીસની ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારમાં બુટલેગર પાસે રૂપિયા 1.92 લાખનો તોડ કરનાર કોન્સ્ટેબલ તથા તેના અન્ય સાગરિત વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.. જે ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે કોન્સ્ટેબલ ચિંતનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. તેના બે સાગરિતો પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યાં હતાં.
સુરતમાં ફરી એક વખત ખાખી વર્દીને ડાઘ લાગ્યો : બુટલેગર સાથેના કોડકાંડમાં ખાસ કરીને રૂપિયાની લાલચમાં આવી જઈ એક કોન્સ્ટેબલે બુટલેગર પાસેથી રૂપિયા વસૂલ્યા હતા. જોકે આખરે કોન્સ્ટેબલની કરતુત સામે આવી જતા ઉપરી અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. વાત જાણે એમ છે કે અજય સવાણી નામનો બુટલેગર 23મી જૂનના રોજ દારૂ માટે વરાછા ચોપાટી પાસે ડીલેવરી કરવા માટે ગયો હતો અને ત્યારબાદ તેના પર 24મી જૂનના રોજ ફરી એક વખત દારૂની બોટલની ડીલેવરી માટે ફોન આવ્યો હતો.
બે લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું : તે સમયે એકાએક એક કારમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને પોતાની ઓળખ પીઆઈના માણસ તરીકે આપી હતી બુટલેગર અજય સવાણીને અન્ય 10 દારૂની બોટલ તેની પાસે બતાવી તેને પાસામાં ધકેલવાની ધમકી આપવામાં આવી હતી અને રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે અજય સવાણીએ પોતાની પાસે બે લાખ રૂપિયા હોવાનું કહ્યું હતું અને બાદમાં કોન્સ્ટેબલ અને તેના સાગરિતોએ રૂપિયા બે લાખનો તોડ કરી ત્યાંથી ભાગી છુટ્યા હતાં. આ સમગ્ર બનાવ બાદ બુટલેગર કાપોદ્રા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ ચિંતન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો.
આ વાતને ગંભીરતાથી લઈને અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કોન્સ્ટેબલ ચિંતન અને તેના અન્ય બે સાગરીતો વિરુધ ગુનો નોંધવામાં આવ્યો હતો.જે ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે આરોપી એવા ચિંતનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. જ્યારે તેના અન્ય બે સાગરીતો પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યા હતાં. હાલ તો પોલીસે ચોપાટી પાસેના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે...ભગીરથ ગઢવી(ડીસીપી)
ધમકી આપી હતી : જ્યાં શરૂઆતમાં તો બુટલેગર અમિત ફક્ત કોન્સ્ટેબલ ચિંતનની કાર જ ઓળખતો હતો પરંતુ તેનું નામ ઓળખતો ન હતો. અચાનક જ ચિંતન 15 દિવસની રજા બાદ તે જ દિવસે પોલીસ મથકમાં હાજર થયો હતો અને આ જ ગાડી લઈને તે કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો. જ્યાં બુટલેગર અજય તેની ગાડીને ઓળખી ગયો હતો અને અધિકારીઓને તેની સમગ્ર કરતુતની જાણ કરી હતી. બુટલેગર પાસે ફક્ત એક જ દારૂની બોટલ હતી અને બાદમાં કોન્સ્ટેબલ અને તેના સાગરિતોએ તેને કારમાં બેસાડી ધમકી આપી હતી કે અન્ય 10 દારૂની બોટલ તેની પાસે બતાવી તેને પાસામાં ધકેલી દેશે. શરૂઆતના સમયે રૂપિયા પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી જો કે ત્યારબાદ 1.92 લાખ બુટલેગર પાસે પડાવી લેવામાં આવ્યાં હતાં.