સુરત : શહેરમાં ઘણા સમયથી સ્કૂલ અને કોલેજોમાં ચોરીની ઘટના સામે આવી રહી હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ચોરીની ઘટનામાં તમિલનાડુની કુખ્યાત શેલમ ગેંગ સામેલ છે. ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી આ ગેંગ સક્રિય છે. હ્યુમન ઇન્ટેલિજન્ટ અને CCTV ફૂટેજના આધારે પોલીસે આ ગેંગના સભ્યોની શોધખોળ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે, પલની સ્વામી ઉર્ફે અન્નો હાલ ડભોલી સ્થિત સુમનકુંજ એપાર્ટમેન્ટમાં રહે છે. ઉપરાંત અન્ય એક આરોપી પરમ શિવમ ઉર્ફે તંબિ પાલગર મુંબઈના નાલા સોપારામાં રહે છે. આ બંને આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
સુરત શહેર સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના સ્કૂલ કોલેજને આ લોકો ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ગૂગલ પર સર્ચ કરીને તેઓ સ્કૂલ અને કોલેજમાં પહોંચતા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ચોરીના 18 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. આ ઉપરાંત પરમ શિવમ નામનો આરોપી અન્ય સાગરીત સાથે મળીને ભીલાડ પોલીસ મથક ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. ત્યાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.-- લલિત વાઘડીયા (PI, સુરત ક્રાઈમ બ્રાન્ચ)
કુખ્યાત શેલમ ગેંગ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર આરોપીઓ તામિલનાડુની કુખ્યાત શેલમ ગેંગના સભ્યો છે. છેલ્લા દસ વર્ષથી આ લોકો ગૂગલ પર સર્ચ કરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજને ટાર્ગેટ કરતા હતા. સરકારી અને ખાનગી સ્કૂલ કોલેજની અગાઉ રેકી કરતા હતા. ત્યારબાદ સ્કૂલ કોલેજની આજુબાજુમાં આવેલા ખેતર કે વાડામાં આસાનીથી લોકોની નજર ન પડે તે રીતે અંધારામાં સંતાઈ જતા હતા. ત્યારબાદ ચોરી કરતી વખતે તેમને કોઈ ઓળખી ન શકે તે માટે તેઓ મંકી કેપ પહેરતા હતા. ઉપરાંત પોતાના ફિંગર પ્રિન્ટ ન આવે તે હેતુથી હાથમાં મોજા તેમજ સ્કાફ જેવું પહેરી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.
સ્કૂલ-કોલેજ ટાર્ગેટ : આ લોકો સ્કૂલની બારી, ગ્રીલ તોડી અથવા તો દરવાજાના લોકને તોડીને પરિસરમાં અંદર પ્રવેશ કરતા હતા. ઓફિસમાં લગાવેલા CCTV કેમેરા અને ડીવીઆર સહિત ટીવી, રાઉટર તથા તિજોરી-કબાટ ટેબલના ડ્રોવરના લોક તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી 18 ચોરીના ગુનાને ડિટેક્ટ કર્યા છે.