સુરતના સચિન વિસ્તારમાં આંધ્રપ્રદેશની આ ગિલોલ ગેંગ લૂંટના ગુનાને અંજામ આપવા ફરી રહી હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહીમાં આ ગેંગના બે સગીરો સહિત દસ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 2,45,000ની રોકડ રકમ, રબરની ત્રણ ગિલોલ, આરસ અને કાચના લખોટા, લોખંડનો સળિયો, પ્લાસ્ટકની ઓઇલ ભરેલી બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે ગેંગના તમામ આરોપીઓની ઉંડાણપૂર્વકની પૂછપરછમાં બહાર આવ્યું કે, આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશના વતની છે અને સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર રેકી કરી બાદમાં પાર્ક કરેલા કારનો કાચ ગિલોલથી તોડી કિંમતી બેગ સહિત સામાનની ચોરી કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ પોતાની પાસે ઓઇલ ભરેલી બોટલ પણ સાથે રાખતા હતા. અને ફોર વ્હીલ ચાલક પર ઓઇલ નાખ્યા બાદ નજર ચૂકવી બેગની ઉઠાંતરી કરી લેતા હતા. આરોપીઓએ સુરત સહિત અન્ય જિલ્લાઓમાં અઢાર જેટલા ગુનાને અંજામ આપી ચૂક્યા હોવાની કબૂલાત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી હતી.