સુરત : કામરેજ ગામ પાસે પસાર થતી તાપી નદીમાં તરતી હાલતમાં આજરોજ એક યુવકનો મૃતદેહ નજરે ચડતા માછીમારોએ મૃતદેહને કાંઠે લાવ્યા હતા.માછીમારો દ્વારા ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ હતી. સ્થળ પર પહોંચેલી કામરેજ પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઈને તેઓના વાલીવારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.
માછીમારોની નજર પડી : સુરત જિલ્લામાં પસાર થતી તાપી નદીમાં અજાણ્યા લોકોના મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. આજરોજ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. કામરેજ ગામ પાસે પસાર થતી તાપી નદીમાં નિત્યક્રમ મુજબ માછીમારી મારો માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓની નજરે નદીમાં તરી રહેલ મૃતદેહ પર પડી હતી.તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને મૃતદેહને નાવડીની મદદથી નદીના કાંઠે લાવ્યા હતા.અને સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
છાતીના ભાગે કિશુ નામનું છૂંદણું : કામરેજ પોલીસે મૃતદેહની તપાસ કરતા મૃતકની ઉંમર અંદાજિત 35 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું .તેમજ તેઓના છાતીના ભાગે કિશુ નામનું છૂંદણું પણ હતું. હાલ તો કામરેજ પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી તેઓના વાલીવારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.
ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પ્રાથમિક તપાસમાં ઇજાના નિશાન મળી આવ્યા નથી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તેઓના વાલી વારસને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે... રવીન્દ્રભાઈ (કામરેજ પોલીસ મથકના જમાદાર)
અગાઉ નહેરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો : થોડા દિવસ અગાઉ સાયણ ગામની સીમમાં પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જેની જાણ સાયણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ સાયણ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર કાકરાપાર કાંઠા નહેરના જમણા ઉપરવાસના પાણીમાં આ વ્યક્તિ કોઈ કારણોસર પડી ગયો હશે. નહેરના પાણીના વહેણમાં તણાઈને ડૂબી જતાં વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.