સુરત : બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ સહિત બે લાખ બોગસ ડોક્યુમેન્ટસ બનાવનાર ટોળકીને સુરત ઇકો સેલે ઝડપી પાડ્યા છે. માત્ર 15 થી 50 રૂપિયામાં પાનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ-મરણના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ લોકોને આપતા હતા. આ સમગ્ર રેકેટમાં અત્યાર સુધીમાં પોલીસે ગુજરાત રાજસ્થાન અને યુપીમાંથી આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓના બેન્ક એકાઉન્ટમાંથી 25 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે.
બેંક મેનેજર દ્વારા ફરિયાદ : HDFC બેંકમાંથી 92 લાખ રૂપિયાની લોન લઈ હપ્તા ભરવામાં આનાકાની કરનાર વ્યક્તિ વિરુદ્ધ બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસમાં જોડાયેલી ઇકો સેલની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. દેશભરમાં નકલી પાનકાર્ડ, આધારકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ સહિત જન્મ મરણના દાખલાઓ બનાવવાનું મોટું કૌભાંડ ઇકોસેલે ઝડપી પાડ્યું છે.
પ્રારંભિક તપાસમાં ઇકો સેલને જાણકારી મળી હતી કે આ આખું ઓપરેશન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી થતું હતું. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા એર વેબસાઈટ બનાવવામાં આવી હતી. માત્ર 20,000 રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ વેબસાઈટથી આરોપીઓ દેશભરમાં અલગ અલગ શહેરોમાં એજન્ટો રાખી આ વેબસાઈટ સાથે બેંકના એકાઉન્ટ જોડી વેબસાઈટનો ઉપયોગ કરનારાઓ પાસેથી યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી માત્ર 200 રુપિયાનો ચાર્જ વસૂલી છેતરપિંડી પણ કરતા હતાં...અજય તોમર(સુરત પોલીસ કમિશનર)
15 થી 50 રૂપિયામાં ડોક્યુમેન્ટ્સ : પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી તે દરમિયાન ખુલાસો થયો હતો કે દેશભરમાં અલગ અલગ શહેરોમાં આ લોકોએ એજન્ટો કરી આજ દિન સુધી બે લાખથી પણ વધુ નકલી ડોક્યુમેન્ટસ બનાવ્યા છે અને માત્ર 15 થી 50 રૂપિયામાં આ ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને આપતા હતાં.
છ આરોપીઓની ધરપકડ : આ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે દેશની સુરક્ષા વ્યવસ્થા ખતરો ઉભો થાય તેવી આશંકાઓ છે. જેથી પોલીસે ગંભીરતાથી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઇકો સેલમાં ફરિયાદ આપનાર એચડીએફસી બેન્કના મેનેજર મણિલાલ પીપરોડિયોએ જણાવ્યું હતું કે ટોળકી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ્સ આપી રૂપિયા લાખ રૂપિયાની લોન મેળવવામાં આવી હતી. બેંક તરફથી તેઓ દ્વારા આપવામાં આવેલ તમામ બોગસ ડોક્યુમેન્ટસ ઇકો સેલને આપવામાં આવ્યા હતાં. જેના આધારે પોલીસે પ્રારંભિક તપાસ હાથ ધરી છ આરોપીઓની ધરપકડ કરી હતી.
દેશવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થઈ શકે : આરોપીઓ પૈકી પ્રિન્સ હેમંતકુમારે પોલીસને જણાવ્યું હતું કે એક વેબસાઈટના માધ્યમથી તેઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં અને માત્ર 15થી લઈ 50 રૂપિયામાં બોગસ આધારકાર્ડ ચુંટણીકાર્ડ અને પાનકાર્ડ બનાવવામાં આવતા હતાં. આ ડોક્યુમેન્ટ્સના આધારે પર્સનલ લોનથી લઈ સીમકાર્ડ ખરીદવા માટે ઉપયોગ થતા હતાં. આ દેશવિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થઈ શકે. જેથી તેની ગંભીરતા જોઈ ઇકો સેલ દ્વારા સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.