- પાલિકાએ શરતોને આધીન પરવાનગી આપી હતી
- આનંદ મેળામાં બાળકો અને વડીલોની ભીડ જોખમી બની હતી
- પોલીસે વધુ ભીડ એકત્રિત થતા કરી કાર્યવાહી
સુરત : કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને જાહેર મેળાનું આયોજન ન કરવા માટે સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતા સુરત જિલ્લામાં આવેલા બારડોલીના ગાંધી રોડ પર આનંદ મેળામાં ભીડ એકઠી કરનારા સંચાલક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ પર ગાંધી હોસ્પિટલની સામે છેલ્લા કેટલાક સમયથી દુકાનો અને મનોરંજનના સાધનો સાથે આનંદ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
પાલિકાએ અમુક શરતોને આધિન આપી હતી પરવાનગી
આ આયોજન માટે આયોજકને ગત 23 નવેમ્બરના રોજ નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે કાચી દુકાન પાડવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આયોજક દ્વારા શરતોનું પાલન કરવામાં આવતું ન હોય આડેધડ ભીડ એકત્રિત થઈ રહી હતી.
નિયમોનો થઈ રહ્યો હતો ભંગ
શનિવારે સાંજે બારડોલી પોલીસની ટીમ ગાંધી રોડ પર પેટ્રોલિંગ પર હતી. તે દરમિયાન મેળામાં ભારે ભીડ જોવા મળી હતી. મેળાના સંચાલક દ્વારા પાલિકા દ્વારા સૂચવવામાં આવેલા તેમજ જાહેરનામામાં દર્શાવેલા કોરોનાના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હતો.
પાલિકાએ જગ્યા ખાલી કરવા સૂચના પણ આપી હતી
આ પહેલા બારડોલી નગરપાલિકા દ્વારા 19 ડિસેમ્બરના રોજ મેળો બંધ કરી જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, તેમ છતાં સંચાલકે જગ્યા ખાલી નહીં કરતા બારડોલી પોલીસના ટાઉન બીટ જમાદાર ભાવેશ મકવાણાએ સંચાલક શિવસિંગ અર્જુનસિંગ સીસોદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.