સુરત : પ્લાસ્ટિક અને ડિસ્પોઝલથી પર્યાવરણને થતા નુકસાનને કારણે માટીના વાસણોનો ઉપયોગ ફરી વધવા લાગ્યો છે. મોર્ડન કિચનમાં વપરાતા લગભગ તમામ વાસણો હવે માટીમાંથી બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની એક સ્વદેશી કંપનીએ માટીમાંથી એવું રેફ્રિજરેટર તૈયાર કર્યું છે કે, તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છતાં ઇલેક્ટ્રિસિટી બિલ ઝીરો આવશે. સંપૂર્ણ રીતે માટીમાંથી નિર્મિત દેશી ફ્રીઝ જુઓ
હસ્તકલા પ્રદર્શન : સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 10 દિવસીય "GI" મહોત્સવ અને ODOP હસ્તકલા 2023 નું પ્રદર્શન અને વેચાણ માટેનો મેળો યોજાયો છે. ત્યારે આ ગુજરાત સ્વદેશી કંપની મીટ્ટીકુલ દ્વારા હાથથી બનાવેલા માટીના વાસણોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. અહીં માટીના માટલા, કુકર, કપ, ગ્લાસ સહિત અનેક વસ્તુ વેચાણ અને પ્રદર્શન થઈ રહ્યું છે. જો કે આ બધા વચ્ચે માટીનું ફ્રીજ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઈલેક્ટ્રીસીટી વગર ચાલશે ફ્રીઝ : માટીમાંથી કુકર, ફ્રીઝ અને ફિલ્ટર બને છે, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ આ વાત એકદમ સાચી છે. માટીના આ મોર્ડન સાધનો સારી રીતે કાર્ય પણ કરે છે. માટીમાંથી બનાવેલ આ ફ્રીઝમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ફ્રીઝમાં ઠંડક ઉત્પન્ન કરવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે, આ માટીના ફ્રીઝને ચલાવવા માટે ઈલેક્ટ્રીસીટીની જરૂરીયાત રહેતી નથી. તેથી તેના બિલની કોઈ પરેશાની નથી રહેતી.
કેવી રીતે બન્યું આ ફ્રિઝ ? આ ફ્રીઝ ટેરાકોટા માટીમાંથી બનાવવામાં આવે છે. તે પાણી, દૂધ, ફળ અને શાકભાજીને સંગ્રહ કરવા માટેનો એક આદર્શ વિકલ્પ છે. સુરતના વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલા એક્ઝિબિશનમાં જોવા મળેલું આ ફ્રીઝ હાલ સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ફક્ત માટીનું ફ્રીઝ નહીં, પરંતુ તેનો માટલા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. તેમાં 20 લિટર જેટલા પાણીનું સ્ટોરેજ કરી શકે છે. આ ફ્રીઝની કિંમત 5,000 રૂપિયા છે, જે ત્રણથી ચાર વર્ષ સુધી ચાલે છે.
માટીનું રેફ્રિજરેટર : ફ્રીજ વિક્રેતા સંતોષબેને જણાવ્યું હતું કે, આ ફ્રીઝ વીજળી વગર માત્ર પાણીની મદદથી ચાલે છે. તેથી આપણે વીજળીના બિલમાં હજારો રૂપિયાની રાહત મેળવી શકીએ છીએ. આ ફ્રીઝની ડીઝાઈન પણ આધુનિક અને આકર્ષક છે. આ ઉપરાંત આ ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી તમે શાકભાજી સ્ટોર કરી શકો છો. જ્યારે દૂધ અને દહીં 24 કલાક સુધી રાખી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ ફ્રીઝ સૌથી ઉત્તમ વિકલ્પ છે. માટીમાંથી ફ્રિઝનું ઇનોવેશન કરનાર મિટ્ટીકુલ પ્રથમ કંપની છે. આ ફ્રીઝમાં શાકભાજી તાજું રહે છે. અગત્યની વાત એ છે કે, આ સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતમાં મહિલા કુંભારોને રોજગારી મળી રહી છે. ફ્રીઝ સહિત માટીના જે પણ વાસણો છે તે મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
ગ્રાહકનો અનુભવ તો જુઓ ! આ ફ્રીઝ ખરીદનાર રુકસાનાબેને પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, મને ખબર પડી કે અહીં એક્ઝિબિશન ચાલે છે. એક ફ્રીઝ જોયું એ પણ માટીનું ફ્રીઝ, જે ક્યારે મેં જોયું નહોતું. ફ્રીઝ જોતા વિચાર આવ્યો કે આજે આ ખરીદી લઉં અને કાલથી ઉપયોગમાં લઈ શકું. અગાઉ આપણા વડીલો માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. આ ફ્રીઝ જોઈ તેની યાદ આવી ગઈ. આ ફ્રીઝ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. જો હું આ ફ્રીજ ખરીદીશ તો અન્ય મહિલાઓને તેનાથી લાભ થશે, આ ઉદ્દેશ સાથે હું આ ફ્રીજ ખરીદી રહી છું.