વલસાડ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્રણેય નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. જાણો ચૂંટણીના પરિણામોની સંપૂર્ણ માહિતી...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ : વલસાડ નગરપાલિકાની કુલ 44 બેઠકમાંથી 41 બેઠક ભાજપે અંકે કરી છે, જ્યારે બે સીટ અપક્ષ અને એક સીટ કોંગ્રેસને મળી છે. પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપને 22, કોંગ્રેસને ફાળે 5 અને અપક્ષના ફાળે એક બેઠક ગઈ છે. ધરમપુર નગરપાલિકામાં એક પણ બેઠક કોંગ્રેસને મળી નથી. વોર્ડ નંબર 1 પર અપક્ષના ચાર ઉમેદવાર વિજેતા થયા છે, એટલે કે કુલ 24 બેઠકોમાંથી 20 બેઠક ભાજપને ફાળે આવી છે.
વલસાડમાં ભાજપનો ભગવો લહેરાયો : વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પર ભાજપ સત્તામાં આવી છે, એટલે વિકાસના કામોને વેગ મળશે. વલસાડ પાલિકાના અનેક વોર્ડમાં કોંગ્રેસનું છેલ્લા કેટલાક વર્ષોથી વર્ચસ્વ હતું, તેને ઉખેડીને ભાજપના ઉમેદવારોએ જંગી જીત અપાવી છે. પાલિકાની કુલ 44 બેઠકોમાંથી કુલ 41 જેટલી બેઠક ભાજપે કબજે કરી છે. અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાને હાર મળી છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી એકહથ્થુ શાસન ચલાવી રહ્યા હતા.
કોંગ્રેસના હાથમાંથી ધરમપુર ગઢ ગયો : ધરમપુર નગરપાલિકાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જોકે, ત્યાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શકી. ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી 20 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો. જ્યારે વોર્ડ નંબર 1 માં 4 અપક્ષ ઉમેદવારોની પેનલ વિજયી થઈ છે. ભાજપ સામે બળવો કરીને અપક્ષમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોનો વિજય થયો છે. આમ કોંગ્રેસને ફાળે એક પણ બેઠક ન આવતા હાલ સમગ્ર બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

પારડીમાં કોંગ્રેસની બેઠકો ઘટી : પારડી નગરપાલિકામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે 14 જેટલી બેઠકો મેળવી હતી. પરંતુ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી છે, જ્યારે અન્ય બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. આમ ભાજપે ગત ચૂંટણીની સરખામણીએ 22 બેઠક કબજે કરી લીધી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીએ આઠ બેઠક પર વધારાનો વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે પોતાની આઠ બેઠક ગુમાવી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્યા : વલસાડ નગરપાલિકા ચૂંટણીમાં 44 માંથી 41 બેઠક ભાજપે કબજે કરી છે, જેમાં બે અપક્ષ ઉમેદવાર અને એક કોંગ્રેસને ફાળે ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વોર્ડ નંબર 3 માં કોંગ્રેસે પોતાની બેઠક અને ઉમેદવાર જાળવી રાખ્યો હતો. આ વખતે ચૂંટણીમાં મતદારોએ ઉમેદવારની ટકાવી રાખવાની આદતને છોડી ઘરે બેસાડી દીધા છે. આમ વોર્ડ નંબર ત્રણમાં સતત કેટલીક ટર્મથી ચૂંટાઈને આવતા ગીરીશભાઈ દેસાઈને પરાજય મળ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ વિજય ઉત્સવ મનાવ્યો : વલસાડ નગરપાલિકામાં ભાજપે 41 બેઠક કબજે કરતા તમામ વિજેતા ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા રેલીઓ અને ડીજે સાથે ફટાકડા ફોડી વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે વિવિધ વિસ્તારમાં આ વિજ્યોત્સવ નીકળ્યો હતો. પારડી અને ધરમપુરમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિજેતા ઉમેદવારો સાથે વિજય ઉત્સવનું આયોજન થયું હતું. વિવિધ વિસ્તારોમાં ફટાકડા ફોડી ભારત માતા કી જયના નારા લાગ્યા હતા.