સુરત : શહેરના મોટા વરાછા વિસ્તારના એક બિલ્ડરે અમદાવાદમાં હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે તેઓ હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આપઘાતના પ્રયાસ પહેલા તેઓ રડતા રડતા એક વિડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તો આશરે દોઢેક વર્ષથી આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે.
હાલ તેમની સ્થિતિ સ્થિર છે : સુરત શહેરના મોટા બિલ્ડરોમાંથી એક અશ્વિન ચોરવડીયાએ અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કર્યા છે અને હાલ તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અશ્વિન ચોરવડીયાના પરિવાર તરફથી જાણવા મળ્યું છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે પરંતુ તેઓએ આપઘાત કરતા પહેલા મોબાઇલમાં એક વિડીયો પણ બનાવ્યો હતો અને આ વિડીયો તેઓએ પોતાના એક પરિવારના સભ્યોને મોકલ્યો હતો. બિલ્ડર દ્વારા આપઘાતના પ્રયાસ મામલે અમદાવાદ હાઈકોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ છે.
સુરત પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી : આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે આ ઘટના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેથી આ મામલે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સમગ્ર મામલે સુરત પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગળની તપાસ સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.
વિડીયોમાં શું કહ્યું : વીડિયોમાં રડતા રડતા બિલ્ડર જણાવે છે કે હવે મરવાનો સમય આવી ગયો છે. એક નોટ પણ લખી છે ગુનેગારોને સજા કરાવજો, આટલી મદદ મારી કરજો, પોલીસ સ્ટેશન અને ગૃહ મંત્રી સુધી આ વાત જાય. ગુનેગારો બચી ના જાય. દોઢ વર્ષથી મારી જિંદગી હરામ કરી નાખી છે. આ લોકો ભેગા મળીને મને હેરાન કરે છે. મારા પરિવારનું ધ્યાન રાખજો. કેટલાક દિવસથી હું આત્મહત્યા કરવા માટે વિચારી રહ્યો હતો પરંતુ તારી ભાભી મને એકલો મૂકતી નહોતી.
મારી નાખવાની ધમકી આપી : પરિવારના લોકો ઘરે નહોતા ત્યારે ચારથી પાંચ લોકો અશ્વિન ચોરવડીયાને ધમકી આપવા આવ્યા હતાં. બિલ્ડરની માતા મંજુબેને જણાવ્યું હતું કે, એક વખત ઘરે આવ્યા હતા તે વખતે અમે ઘરે નહોતા. ચારથી પાંચ લોકો આવ્યા હતા અને ધમકી આપી હતી. મારી નાખવાની ધમકી આપી હતી. છેલ્લા 15 દિવસથી એ માનસિક તણાવમાં રહેતો હતો.
આ પણ વાંચો Surat Student Suicide Case : સુરતમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો, થોડા દિવસથી કરતો હતો આ માગણી
સતત માનસિક ત્રાસમાં રહેતા હતા : બિલ્ડરની બહેન નૂતને જણાવ્યું હતું કે તેઓ 15 દિવસથી બહાર હતા અને સતત માનસિક ત્રાસમાં રહેતા હતા. લેણદારો ધમકી આપતા હતા અને તેઓ મૂંઝવણમાં હતા.