- ખેતરમાં કામ કરી રહેલા મજૂરોને મળી આવ્યું દીપડાનું મૃત બચ્ચુ
- મૃત બચ્ચાની ઉંમર અઢીથી ત્રણ માસ
- વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કર્યું
સુરત : જિલ્લાના માંડવી તાલુકાના ખંજરોલી ગામે રહેતા કિશોરભાઈ દરબારના ખેતરમાં કામ કરતા મજૂરોને નજીકથી પસાર થતી એક ખાડીમાંથી દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાના બચ્ચાનો મૃતદેહ જોઈને ગભરાય ગયેલા મજૂરોએ તેમના માલિકને આ બાબતે જાણ કરી હતી.
વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
ખેતર માલિકે બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને જાણ કરતા પ્રમુખ જતીન રાઠોડે તેમની ટીમના સભ્યો મિતેષ પટેલ અને પ્રતીક પટેલને મોકલ્યા હતા. જ્યાં તેમને દીપડાના બચ્ચાનો મૃતદેહ જોયા બાદ માંડવી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા બચ્ચાના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખોરાક ન મળવાથી મોત થયું હોવાની આશંકા
માંડવી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્ર રાઉલજીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃત બચ્ચાની ઉંમર લગભગ અઢીથી ત્રણ માસની છે અને ખોરાક ન મળવાને કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મૃતદેહ પર કોઈ ઇજાના નિશાન મળ્યા નથી. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.