સુરત : સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ એક એવી ટોળકીની ધરપકડ કરી છે કે જેઓ સુરત શહેરમાં સાયકલની ચોરી કરી તેના પાર્ટ ઓરિસ્સામાં લઈ જવાના ફિરાકમાં હતા. સુરત શહેરના શાળા, કોલેજ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં માત્ર સાયકલને ટાર્ગેટ કરી રાત્રે સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર આ ટોળકીના તમામ સભ્યો ઓરિસ્સાના રહેવાસી છે. આ લોકો પહેલા રેકી કરતા હતા, ત્યારબાદ મોંઘી સ્પોર્ટ્સ સાયકલની ચોરી કરતા હતા. અલગ અલગ પોલીસ મથકમાં સાયકલ ચોરીના ફરિયાદના આધારે આખરે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ આ ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી 42 સાયકલ જપ્ત કરી છે.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરમાં સાઇકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર ટોળકીના ત્રણ સભ્યોની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ ધરપકડ કરી છે. તેમની પાસેથી 42 સાયકલ જપ્ત કરવામાં આવી છે. ચોરી કરનાર આ ટોળકીના સભ્ય સુરત શહેરમાં માત્ર સાયકલને જ ટાર્ગેટ કરતા હતા. કારણ કે મોટાભાગે લોકો સાયકલ ચોરીની ઘટના પોલીસ મથકમાં નોંધાવતા નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોંઘીદાટ સાયકલની ચોરીની ઘટના પોલીસ મથકમાં આવી રહી હતી. જેના આધારે પોલીસે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી. જેમાં સાયકલ ચોરી કરનાર ટોળકી કઈ રીતે સહેલાઈથી સાઇકલની ચોરી કરી રહી છે તે ઘટના જોવા મળી હતી.
તમામ આરોપીઓ ઓરિસ્સાના રહેવાસી છે. આ લોકો સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. કારણ કે આ સાયકલ ક્યાંથી આવી છે તે અંગે લોકોને ખબર પડતી ન હતી. આ લોકો સાયકલ અથવા તો તેના સ્પેરપાર્ટ ઓરિસ્સા મોકલવાના હતા. - રાજદીપસિંહ નકુમ (DCP, સુરત પોલીસ)
50 હજાર રૂપિયા સુધીની સાયકલો : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ CCTV ફૂટેજના આધારે આખરે સાઇકલ ચોરીની ઘટનાને અંજામ આપનાર ટોળકીને ઝડપી પાડ્યા છે. SOGએ જે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેઓ મૂળ ઓરિસ્સાના રહેવાસી છે. 20 વર્ષીય સનીયા સુદર્શન સવાઈ, 24 વર્ષીય ગૌતમ ઉર્ફે રામ પ્રધાન અને 38 વર્ષીય પંચુ સબુધી ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીમાંથી એક રીક્ષા ચાલક છે, જ્યારે અન્ય બેરોજગાર હતા. આ લોકો પાસેથી 2.14 લાખની કિંમતની 42 જેટલી સાયકલો જપ્ત કરવામાં આવી છે. આ તમામ સાયકલોની કિંમત 20 હજારથી લઈ 50 હજાર રૂપિયા સુધીની છે. આ લોકો સ્કૂલ કોલેજ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ મોંઘીદાટ સાયકલની ચોરી કરતા હતા. પહેલા આ લોકો જે તે વિસ્તારમાં રેગી કરતા હતા અને ત્યારબાદ એક બેગ ખભા પર મૂકીને જે તે વિસ્તારમાં જતા હતા. સાઇકલ ચોરી કરીને ફરાર થઈ જતા હતા. જેથી લોકોને ખબર ન પડે કે તેઓ સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.