સુરત : શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજે ફરી પછી શ્વાનની ટોળકીએ બે માસુમ બાળકીને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સંજય નગર ખાતે અને રામેશ્વર નગરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જેમાં પહેલી ઘટના સંજયનગરની જ્યાં આજે બપોરે 6 વર્ષીય પરી સોનવણે પોતાના ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન પરી પર એકાએક શ્વાનના ટોળકીએ હુમલો કરી દીધો હતો. આ જોતા જ સ્થાનીકો દોડી આવ્યા હતા. પરીના ઝાઘ ઉપર બચકું ભર્યું હતું. જેથી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
બીજો હુમલો : બીજી ઘટનામાં રામેશ્વર નગર ખાતે રહેતી 9 વર્ષીય વૈષ્ણવી સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન શ્વાનની ટોળકીએ વૈષ્ણવીને પણ ઝાઘના ભાગે બચકા ભર્યા હતા. તેઓને પણ સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
વૈષ્ણવી આજે બપોરે 12 વાગે સ્કૂલેથી આવી રહી હતી, ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક શ્વાનની એક ટોળકીએ તેની પર હુમલો કરી તેના ઝાઘ પર બચકા ભરી લીધા હતા. જોકે ત્યાં સોસાયટીના લોકોએ શ્વાનોને ભગાડી મૂક્યા હતા. વૈષ્ણવીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી તે સારી છે. પરંતુ ખૂબ રડતી હતી. જેથી અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા. - પાપુભાઈ (વૈષ્ણવીના મામા)
દીકરી પર હુમલો થતાં માતા દોડી : પરીની માતાએ લીલાબેનએ જણાવ્યુ કે, આજે બપોરે પરી ઘરની બહાર રમતી હતી, ત્યારે જ તેની પર અચાનક એક શ્વાને હુમલો કરી પગમાં બચકા ભરી લીધા હતા. આ જોઈ હું અને પડોશીઓ દોડી આવ્યા હતા, એટલે શ્વાન ભાગી ગયો હતો. તેને અમે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેની સારવાર કરવામાં આવી છે. રજા પણ આપી દેવામાં આવી છે.