સુરત : સાયણ ગામની સીમમાં પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણ સાયણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ સાયણ પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નહેરમાં મૃતદેહ મળ્યો : બનાવની મળતી વિગત અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ પાસે એક નહેર પસાર થાય છે. સાયણથી દેલાડ તરફ જતી આ નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સાયણ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર કાકરાપાર કાંઠા નહેરના જમણા ઉપરવાસના પાણીમાં આ વ્યક્તિ કોઈ કારણોસર પડી ગયો હશે. નહેરના પાણીના વહેણમાં તણાઈને ડૂબી જતાં વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બાબતે જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો લઈ તેઓના વાલી વારસાને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.-- નિતેશભાઈ (બીટ જમાદાર, સાયણ પોલીસ મથક)
બીજો બનાવ : અન્ય બનાવની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ અમરોલી વિસ્તારના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તપાસ કરી જેમાં આ મૃતદેહ 40 વર્ષીય હમીરસિંહ ગોહિલનો હોવાનું સામે આવ્યું છે. હમીરસિંહ ગોહિલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ રામ રાજ્ય સોસાયટીમાં રહેતા હતા. તેઓ મૂળ વિરજાના રહેવાસી હતા. સુરતમાં અમરોડરીમાં કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો પણ છે. તેઓ બે મહિના પહેલા જ પોતાના મૂળ વતન વિરજાનેરથી સુરત રોજગારી માટે આવ્યા હતા. અહીં તેઓ ભાડે રહેતા હતા. તેમના મિત્રોએ નિવેદન આપ્યું કે, અમે ગઈકાલે રાતે અહીં આવ્યા હતા. ત્યારે હમીરસિંહ માછલી પકડવા માટે તળાવમાં ગયો હતો. પરંતુ તે જોતજોતામાં જ તળાવમાં માટે ડૂબી ગયો હતો. જેથી અમે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેઓએ ફાયર કંટ્રોલને જાણ કરી હતી.