સુરત : કામરેજ તાલુકાના વાવ ગામ પાસે એક બુલેટચાલકને કારચાલકે ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ટક્કર વાગતા બુલેટચાલક હાઇવે પર પટકાયો હતો. જોતજોતામાં બુલેટમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. બુલેટચાલક પોતાનો જીવ બચાવવા દૂર ચાલ્યો ગયો હતો. જ્યારે કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.
ગોઝારો અકસ્માત : સુરત જિલ્લામાં પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક વ્યક્તિ બુલેટ લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક કારચાલકે બૂલેટને ટક્કર મારી હતી. જેના પગલે બુલેટચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતના પગલે થોડી જ ક્ષણોમાં બુલેટ ભડભડ સળગવા લાગ્યું હતું. જેને પગલે બુલેટચાલક પોતાનો જીવ બચાવવા હાઈવેની વચ્ચે જ બુલેટ મૂકી દૂર ભાગી ગયો હતો. બુલેટમાં લાગેલી આગની ઘટનાને પગલે નાસભાગ મચી ગઇ હતી. થોડીવાર માટે હાઇવે પર વાહનોના પૈડાં થોભી ગયા હતા.
બુલેટ ભડકે બળ્યું : આ અકસ્માત ઘટનાની જાણ સ્થાનિક કામરેજ ERC ફાયર વિભાગને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. બનેલી આગની ઘટનામાં બુલેટ બળીને ખાક થઈ ગયું હતું. હાજર NHAI વિભાગની ટીમે હાઈવે પરથી ટ્રાફિક હળવો કર્યો હતો. સદનસીબે બુલેટચાલકે સમયસૂચકતા વાપરી બુલેટ રસ્તા વચ્ચે મૂકી દૂર ભાગી જતા મોટી જાનહાનિ ટળી હતી.
બુલેટચાલકનો જીવ બચ્યો : કામરેજ ફાયર ઓફિસર બિપીનભાઈએ જણાવ્યું હતું કે, કાર અને બુલેટ વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બુલેટ સળગી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા.