બારડોલી : બારડોલી તાલુકાના ઈશનપોર ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર વૃક્ષ સાથે ભટકાઇ હતી. વિદ્યાર્થીઓ કામરેજ તાલુકાના ગલતેશ્વર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પાંચ લોકોને ઇજા થતાં સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થિનીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્યાંના હતા વિદ્યાર્થીઓ : બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કુલ 8 વિદ્યાર્થીઓ બપોરના દોઢેક વાગ્યાના સુમારે કોલેજ કેમ્પસમાંથી એક ઇકો કારમાં સવાર થઈ કામરેજ તાલુકાનાં ગલતેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે ગયા હતા. કારમાં કામરેજ, બારડોલી, નવસારી, મહુવા, માંડવી અને કામરેજ વિસ્તારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સવાર હતા. ગલતેશ્વર દર્શન કરી પરત માંડવીમાં રહેતા 24 વર્ષીય વિદ્યાર્થી પારસ રોહિત શાહને ત્યાં જઈ રહ્યા હતા.
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો : તેમની કાર ખરવાસાથી વરાડ જતા રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે ઈશનપોર ગામની સીમમાં અચાનક 20 વર્ષીય કાર ચાલક કીર્તનકુમાર વિરમકુમાર ભાવસારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર રોડની નીચે ઉતરી વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આગળ પારસ રોહિત શાહ અને જયકુમાર અમરચંદ શાહનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ચાલક કીર્તનનું સારવાર દરમિયાન બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું હતું.
એક વિદ્યાર્થિની હાલત નાજુક : ઇજાગ્રસ્તો પૈકી હેતવીની તબિયત વધુ નાજુક હોય તેણીને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસના PSI ડી.આર.વસાવા અને તેમનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે હાલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત અને મૃતકોના નામ : 20 વર્ષિય તનિષ્ક મેહુલભાઈ પારેખ (અડાજણ), 20 વર્ષિય મનસ્વી મનીષ મેરુલિયા (કતારગામ), 20 વર્ષિય સુમિન ઉર્ફે સ્મિત દિપકભાઈ માધવાણી (વેનેશિયન વિલા, બારડોલી), 20 વર્ષિય નિધિ લક્ષ્મણ પટેલ (નવાગામ, નવસારી) અને 20 વર્ષિય હેતવી દિલીપભાઇ પટેલ (માંડવી) મૃતકોના નામ જોઈએ તો, 24 વર્ષીય પારસ રોહિત શાહ (નવાપરા, માંડવી), જયકુમાર અમરચંદ શાહ (રહે અવંતિકા સોસાયટી, કામરેજ) અને કીર્તનકુમાર વિરમ કુમાર ભાવસાર (મહુવા).
અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના સ્થળ પર જ જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગલતેશ્વરથી આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફરિયાદ લેવાની કામગીરી ચાલી રહી છે. - PSI ડી.આર.વસાવા (બારડોલી ગ્રામ્ય પોલીસ)
યુનિવર્સિટી કેમ્પસમાં શોકની લહેર : અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સને ફોન કરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉકા તરસાડીયા યુનિવર્સિટીનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ ઘટનાની જાણ થતાં સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં યુનિવર્સિટી કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.