સુરતઃ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનના ગુનામાં દોષિત ડ્રાઈવર્સ માટે સજાની નવી જોગવાઈઓ કરી છે. જેમાં અકસ્માતના ગુનામાં દોષિત ડ્રાઈવરને 5 લાખ રુપિયાનો દંડ અને 10 વર્ષ કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાઈવર્સ આ સજાને કાળો કાયદો ગણી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. શહેરોમાં પણ ભારે અને કોમર્શિયલ વ્હીકલ્સના ડ્રાઈવર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ગયા છે.
આવેદન પત્ર અપાયુંઃ સુરતના માંડવી અને માંગરોળમાં ટ્રક ડ્રાઈવર્સ એસોશિયેશન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. માંગરોળમાં મામલતદાર પાર્થ જયસ્વાલને ટ્રક ડ્રાઈવર્સ એસોસિયેશનના અગ્રણીઓ મહેશ ચૌધરી, શૈલેષ ચૌધરી, કમલેશ ચૌધરી, મયૂર શાહ, જિગ્નેશ ગામીત, અવિનાશ ચૌધરી અને ગીરીશ ચૌધરી સહિતના લોકોએ રુબરુમાં રજૂઆતો કરી હતી. આ કાયદાની જોગવાઈઓ ડ્રાઈવર અને તેમના પરિવારના હિતમાં પરત ખેંચાય તેવી માંગણી કરી હતી. સૌ આગેવાનોએ સાથે મળીને મામલતદારને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.
ઝંખવાવ રોડ પર પણ પ્રદર્શનઃ ડ્રાઈવર્સ દ્વારા વહેલી સવારથી વાંકલથી ઝંખવાવ જતા માર્ગ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્ર્કસ જેવા ભારે વાહનોના ચક્કાજામ કરી દેવાતા ભારે ટ્રાફિક જામ થયો હતો. ડ્રાઈવર્સ માટે અકસ્માતના ગુનામાં 5 લાખ રુપિયા દંડ અને 10 વર્ષની કેદ એ આકરી સજા છે. મામૂલી પગાર મેળવતા ડ્રાઈવર્સ દ્વારા આ સજાને કાળો કાયદો ગણાવ્યો હતો. ટ્રક ડ્રાઈવર્સે સરકરા આ કાયદાની નવી સજાઓ પરત ખેંચી લે તે માટે દેખાવો પણ કર્યા હતા. આવા વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર થઈ રહ્યા છે. નેશનલ હાઈવેની અનેક ચેકપોસ્ટ્સ પર ટ્રક ડ્રાઈવર્સે ચક્કાજામ કરી દીધા છે. જેના લીધે અનેક કિમી લાંબી ટ્રાફિકની કતારોના દ્રશ્યો સર્જાયા છે.