સુરત: સુરતમાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તે સમય દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે ભારે પવનના કારણે શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઇશ્વરનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઈમારત નીચે સુતેલા લોકો પર સ્લેબનો કાટમાળ પડતા 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઈમારતનો સ્લેબ ધરાશાયી : આ બાબતે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રોહિત દેસાઈએ જણાવ્યું કે, આ ઘટના બાબતની માહિતી સૌપ્રથમ વખત નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે અમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ઇશ્વરનગર સોસાયટીના પ્લોટ નંબર 135 ની બાજુમાં આવેલ બાજુની બિલ્ડીંગની જર્જરિત દીવાલનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં કુલ સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
આ ઘટના વહેલી સવારે 2:15 વાગ્યાની આસપાસ બની હતી. જે બાબતની માહિતી સૌપ્રથમ વખત નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા આપવામાં આવી હતી. -- રોહિત દેસાઈ (પોલીસ કોન્સ્ટેબલ, સચિન GIDC પોલીસ સ્ટેશન)
3 લોકોની હાલત ગંભીર : પોલીસ કોન્સ્ટેબલ રોહિત દેસાઈએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં બાબુભાઈ માયાભાઈ વર્મા જેઓ 42 વર્ષના છે. તેઓના છાતી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની સાથે અવધેશ પ્રસાદ મિશ્રા જેઓ 55 વર્ષના છે, તેઓના માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ છે. મનોજ ગુપ્તા જેઓને પણ માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ છે. હાલ આ ત્રણેયની હાલત ગંભીર છે. ત્યારે બાકી 4 લોકોને સામાન્ય ઈજાઓ હતી. તેઓને હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.