હાથમાં દાંડિયા અને પગમાં સ્કેટિંગ શૂઝના કોમ્બિનેશન સાથે સુરતમાં રમાાય છે એક અનોખા ગરબા. સુરતના 80 જેટલા ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રીમાં સ્કેટિંગ ગરબા રમી રહ્યા છે. વિશેષ તાલમેલ અને મહિનાઓની પ્રેક્ટિસ બાદ એક સાથે 80 ખેલૈયાઓ સ્કેટિંગ ગરબા રમે છે. સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવું જ એક યુવતીઓનું જૂથ છે. જે સ્કેટિંગ શૂઝ પહેરી નવરાત્રીનાં નવ દિવસ સુધી ગરબાના તાલે ઝૂમવાના છે. આ યુવતીઓનું જૂથ નવ દિવસ સ્કેટિંગ ગરબા રમી માં આદ્યશક્તિ અંબાની આરાધના કરી રહી છે. સ્કેટિંગ ગરબા માત્ર અહીંના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર નથી, પરંતુ વિદેશમાં પણ લોકો આ ગરબાને જોઈ તેને બિરદાવે છે.
ઘોડદોડ રોડ વિસ્તારમાં મીના મોદીનું જૂથ છેલ્લા એક વર્ષથી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટિસ કરતાં હતા. આ પ્રેક્ટિસ હવે પૂર્ણ થઈ ગઈ છે. સ્કેટિંગ શૂઝ પહેરી ગરબા, દાંડિયાની રમઝટ બોલાવે છે. સ્કેટિંગ શૂઝ પહેરી અવનવા સ્ટેપની સાથે ગરબા કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ ખેલૈયાના જૂથે આ શક્ય કરી બતાવ્યું છે. અલગ અલગ સ્ટેપ પર મ્યુઝિક સિસ્ટમના સથવારે સાલસા, હિપહોપ ,કંટેમ્પરરી ,રાજસ્થાની તેમજ વેસ્ટર્ન ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. સ્કેટિંગ ગરબા કરવા માટે ખાસ ફ્લોરિંગ વાળી જગ્યાની જરૂર પડતી હોય છે. આ યુવતીઓ પણ ફ્લોરિંગ વાળી જગ્યાઓ પર જઈ સ્કેટિંગ ગરબા રમવાની છે.