સદસ્યતા અભિયાન અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ 2 દિવસની સુરત મુલાકાતે આવ્યા હતા. જેમા પાંડેસરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુ દલસાનિયા, ભરતસિંહ પરમાર, સાંસદ, ધારાસભ્ય કોર્પોરેટર હાજર રહ્યા હતા.
સુરત એરપોર્ટ પર આવ્યા બાદ તેમણે બમરોલી વિસ્તારના બિપિન તિવારી રીક્ષા ચાલકના ઘરે પહોંચીને ચા-નાસ્તો કર્યા હતા. સેવા વસ્તીમાં તેમને સ્થાનિકો સાથે સદસ્યતા અભિયાન અંગે સંબોધન કરીને પરિચિત કર્યા હતા. શિવરાજસિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં મહાન ભારત બની રહ્યું છે.
નરેન્દ્ર ભાઈ અને અમિત ભાઈની જોડી ગજબની છે. કોઈ માની શકે કે આસામમાં ભાજપ સરકાર બનશે..? પરંતુ બની ગઈ સરકાર. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં બુઆ બબુઆ એક થઈ ગયા હતા પણ એમનું પણ ન ચાલ્યું. જમ્મુ કાશ્મીરનો મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે હોત તો આખું જમ્મુ કાશ્મીર ભારતમાં સામેલ હોત. નહેરુની ભૂલના કારણે આજે તે પાકિસ્તાનનો હિસ્સો બની ગયો છે.
બદલાતા પરિવર્તન સાથે અને વિકાસની હરણફાળ ભરતું ભારત ચંદ્ર પર જઈ રહ્યું છે. ભારત હવે સાચા અર્થમાં મહાન ભારત બની રહ્યું છે. અમિત શાહે નક્કી કર્યું છે કે, એકપણ વિદેશી ગેરકાયદેસર રીતે ભારતમાં નહીં રહી શકે. ભારત કોઈ ધર્મશાળા નથી. કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ જ નથી. કોંગ્રેસની નૈયાને તેના અધ્યક્ષે કિનારે પહોંચાડતા પહેલા ડૂબાડી દીધી છે અને કોંગ્રેસ સમાપ્ત થઇ ગઇ છે.
MPના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણ એક ઓટો ચાલકના ઘરે આવીને હાલચાલ પૂછ્યા હતા. તેનાથી મૂળ ઉત્તર પ્રદેશના તિવારી પરિવારમાં ભારે ખુશી જોવા મળી હતી. બિપિનની માતા માધુરીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવાર હોવા છતાં કોઈ મોટા નેતા તેમની ઘરે આવે તેની કલ્પના તેમણે કરી નહોતી. તેઓએ વધુમાં જણાવ્યું કે, શિવરાજસિંહે તેમના સમગ્ર પરિવારજનો સાથે ફોટો પડાવ્યો હતો.