સુરત : કડોદરામાં 12 વર્ષીય કિશોરના અપહરણ બાદ હત્યા પ્રકરણમાં ત્રણ મહિના બાદ પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ સ્થાનિક લોકોએ આરોપીઓના માતા-પિતા જે ઘરે રહે છે, ત્યાં જઈને હોબાળો મચાવી એક બાઈકને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ ઘરના દરવાજા પાસે ટાયર સળગાવી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરંતુ પોલીસ પર પણ ટોળાએ મરચાની ભૂકી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હળવો બળપ્રયોગ કરી મામલો થાળે પાડ્યો હતો.
શિવમ હત્યા કેસ : ગત સપ્ટેમ્બર માસમાં સુરત જિલ્લાના કડોદરાના ક્રિષ્નાનગરમાં રહેતા 12 વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ મહંતો નામના બાળકનું અપહરણ કરી 15 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. પોલીસની ભીંસ વધતા અપહરણકર્તાએ અમરેન્દ્રની હત્યા કરી નાસી છૂટ્યા હતા. પોલીસે અપહરણકર્તા ઉમંગની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા સોનું અને મોનું સાથે મળી કિશોરની હત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી.
પાંચ આરોપીની સંડોવણી : પોલીસ તપાસમાં આ હત્યા સત્યમનગરમાં જ રહેતા સોનુ ઉર્ફે વિનાયક શ્રીરામ યાદવ, તેનો ભાઈ મોનુ વિનાયક યાદવ અને ઉમંગ તથા બે સગીરની સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ ગુનામાં બે સગીર સહિત તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આરોપીના માતા-પિતા સત્યમનગરમાં રહેતા હોય કેટલાક અસામાજિક તત્ત્વોએ ઘરને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તોફાની તત્વોની અટક કરી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ ટીમ કાર્યવાહી કરી રહી હતી ત્યારે મહિલા PSI ની આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો હતો. -- જે.ડી. વાઘેલા (PI, કડોદરા GIDC પોલીસ મથક)
જનતા અદાલતનો ફેંસલો : આ દરમિયાન સ્થાનિક રહીશોએ આરોપી ભાઈઓ સોનુ અને મોનુના પરિવારજનો આ વિસ્તારમાં રહેવા ન જોઈએ તેવી ફરિયાદ કરી હતી. તેમ છતાં પરિવારજનો સત્યમનગર ખાતે આવેલા તેમના ઘરે રહેતા હતા. આ બનાવના ત્રણ મહિના બાદ પણ રહીશોમાં ભારે રોષ હતો. ત્યારે મંગળવારના રોજ સ્થાનિક રહીશો અચાનક ઉશ્કેરાઇ અને એકત્ર થઈ આરોપીઓના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં એક મોટરસાયકલ અને ટાયરને આગ ચાંપી દીધી હતી. ઉપરાંત એક ટાયર ઘરમાં સળગાવી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કડોદરા જીઆઇડીસી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગચંપી કરતા લોકોની અટકાયત કરી હતી.
પોલીસની આંખમાં મરચું નાખ્યું : પોલીસ કાર્યવાહી દરમિયાન ટોળું વિફર્યુ હતું અને એક મહિલા PSI અને તેમની ટીમ પર મરચાની ભૂકી નાખી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરત ગ્રામ્ય પોલીસ કાફલો તાત્કાલિક પહોંચી જતાં સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પોલીસે 6 થી 7 તોફાની તત્વોની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કાર્યવાહી : કડોદરા જીઆઇડીસી પોલીસ મથકના PI જે.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, અપહરણ અને હત્યાના આરોપીના માતા-પિતા સત્યમનગરમાં રહેતા હોય કેટલાક અસામાજિક તત્ત્વોએ ટાયર સળગાવી ઘરને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો અને એક બાઈક પણ સળગાવ્યું હતું. પોલીસે તોફાની તત્વોની અટક કરી છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ ટીમ કાર્યવાહી કરી રહી હતી ત્યારે મહિલા PSI ની આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કોઈને ઈજા થઈ નથી. હાલ સ્થિતિ કાબૂમાં છે.