બકુલા રમણ પટેલ 75 વર્ષની ઉંમરે જ્યારે જીવન ભારતી સ્કુલના ઓડિટોરીયમમાં આરંગેત્રમ કર્યું તો દર્શકો તાડીયો પાડતા થાકતા નહોતા. યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયેલા બકુલા પટેલે 68 વર્ષે ભરત નાટયમ શીખીને 75 વર્ષે ભરત નાટયમમાં આરંગેત્રમ કર્યું છે. આટલી ઉંમરે આરંગેત્રમ થાય તે એક રેકર્ડ છે.
68 વર્ષની ઉંમરે 44 વર્ષીય કલાગુરૃ ભાવના પટેલ પાસે ભરત નાટયમના પાઠ શીખ્યા. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે લોકોને ખબર પડી કે હું ભરત નાટયમ શીખી રહી છું તો લોકોના મ્હેણાં પણ સાંભળવા મળ્યા હતા પરંતુ લોકોની પરવા કર્યા વિના મે ભરત નાટયમની પ્રેક્ટીસ શરૂ કરી અને રોજના કલાકોની મહેનત પછી આરંગેત્રમ કરી શકી.
અત્રે ઉલ્લેખનીય છે કે 1995માં પતિ રમણભાઈનું અવસાન થયુ હતુ.આખી જીંદગી હાઉસ વાઈફ તરીકે જીવનારા બકુલાબેન પૌત્રોને સ્પોર્ટસમાં સપોર્ટ કરતા કરતાં 58 વર્ષની ઉંમેરે પોતે ઈન્ટરનેશનલ સ્પોર્ટસ વુમન બની ગયાં હતા. 58 વર્ષની ઉંમરે લોકો ભગવાનનું નામ લેવા માટે મંદિરમાં જાય ત્યારે બકુલા બેન સ્પોટ્સ એક્ટીવીટી કરતાં અને અત્યાર સુધીમાં તેઓએ 185 મેડલ જીત્યા છે.