સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે તમાકુના વેપારી રવિભાઈ પાસેથી રૂપિયા 8 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. વેપારી રવિભાઈ જ્યારે રાત્રિના સમયે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવેલા ત્રણ જેટલા લોકોએ વેપારી રવિભાઈને રોકી તેમની ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેમની પાસેથી રૂપિયા 8 લાખ રોકડ લૂંટી નાસી ગયા હતા. આ હુમલામાં વેપારીને ઇજાઓ થઈ હતી જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી નજીક લાગેલા સીસીટીવીમાં આ ઘટના તૈયાર થવા પામી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ: ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, તમાકુના વેપારી પોતાની પાસે રોકડ રૂપિયા આઠ લાખ લઈને બાઈક ઉપર જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી ત્રણ જેટલા યુવાનો બાઇક પર આવ્યા હતા. વેપારીઓ ઉપર હથિયાર વડે હુમલો કર્યો હતો. બાદમાં રોકડ લૂંટી ફરાર થઈ ગયા છે. હાલ સીસીટીવી ફૂટેજના મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
વેપારીએ જણાવી આ વાત: હોસ્પિટલમાં સારવાર વેપારી રવિભાઈએ જણાવ્યું હતું કે, "હું દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ મારી સામે બાઇક પર ત્રણ લોકો આવી ગયા હતા. મારી પાસેથી રૂપિયા 8 રૂપિયા લૂંટી નાસી ગયા હતા. આ હુમલાના કારણે મને કમરના ભાગે આવી ઈજા થઈ છે. જેથી હું અત્યારે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છું.