પશ્ચિમ બંગાળમાં પરિભા મુખરજી નામના તબીબ પર ટોળા દ્વારા હિંસક હુમલો કરવામા આવ્યો હતો. આ હુમલા બાદ સમગ્ર દેશના તબીબોમાં રોષ ફાટી નીકળ્યો છે. જ્યાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં જોવા મળી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હોસ્પિટલના કેમ્પસમાં હાથમાં કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નેજા હેઠળ રેસિડેન્ટ તબીબો દ્વારા હાથમાં પોસ્ટર લઈને પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. રેસિડેન્ટ તબીબોએ નવા કાયદામાં જોગવાઈ માટેની અપીલ કેન્દ્ર સરકાર પાસે કરી હતી. જેમાં હુમલાખોરો સામે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ આ કેસ 1 વર્ષની અંદર પૂર્ણ થવો જોઈએ. ઉપરાંત ભોગ બનનારને સરકારે વળતર આપવું જોઈએ.