સુરત જિલ્લાના બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને એક મહિલાએ બે વખત પત્ર લખી દોઢ કરોડની ખંડણી માંગવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં બારડોલી પોલીસે તપાસનો દોર શરૂ કરતા CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં મહિલાની ધરપકડ કરી હતી.
આ કૃત્ય કરનાર મહિલા બારડોલીની આનંદનગર આશાપુરા સોસાયટીમાં રહેતી પ્રવીણા મહેશભાઇ મૈસુરીયા હોવાનું બહાર આવતા પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરતાં ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રિમાન્ડ દરમિયાન મહિલાએ આર્થિક સંકટ તેમજ નાણાં ભીડ હોવાને કારણે તરકટ રચ્યાનું જણાવ્યું હતું . તેમજ ટીવી સિરિયલ ક્રાઈમ પેટ્રોલ જોઈને આખી યોજના બનાવી હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી . જોકે બીજી ચર્ચા મુજબ પ્રધાન ઈશ્વર પરમારના પુત્રનું આરોપી મહિલાની બહેન સાથે પ્રેમ પ્રકરણ પણ હોવાની ચર્ચા શરૂ થઇ છે . જોકે રિમાન્ડ દરમિયાન પોલીસ કેટલી હકીકતો બહાર લાવશે એ જોવું રહ્યું .