સુરત : યસ બેંકના થાપણદારોની ઉપાડ રકમ પર આરબીઆઇ દ્વારા મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. હવેથી માત્ર દર મહિને યસ બેંકના થાપણદારો માત્ર 50,000 જેટલી જ રકમ ઉપાડી શકશે. આરબીઆઇની આ જાહેરાત બાદ થાપણદારોમાં જાણે રીતસરની દોડધામ મચી ગઇ હતી.
જેમાં સુરત ખાતે આવેલી યસ બેંક બહાર મોડી રાતથી થાપણદારોએ લાંબી કતાર લગાવી દીધી હતી. માસિક ઉપાડ મર્યાદા નક્કી કરાતા થાપણદારો ચિંતામાં મુકાયા છે. જેને લઈ વહેલી સવારથી બેંક બહાર થાપણદારોની લાંબી કતાર જોવા મળી રહી છે. બેંક દ્વારા ઉપાડ માટે થાપણદારોને ટોકન આપી બેંકમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ થાપણદારો પાસે ઓળખ સહિતના પુરાવા માંગવામાં આવી રહ્યા છે.