સુરત : સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં આજે પણ નવરાત્રી દરમિયાન લોકો રામલીલાના મંચનને પસંદ કરી રહ્યા છે. સુરત શહેરમાં વૃંદાવનથી 33 જેટલા કલાકારો રામલીલા મંચન કરવા માટે આવ્યા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ આ રામલીલા મંચનમાં કોઈપણ મહિલા સામેલ થતી નથી. તમામ પાત્રો આજે પણ પુરુષ કલાકારો દ્વારા ભજવવામાં આવતા હોય છે. મોબાઈલ યુગમાં આજે પણ લોકો રામલીલા જોવાનું પસંદ કરી રહ્યા છે.
શહેરમાં રામલીલાનું આયોજન : સુરત શહેરના વેસુ વિસ્તારમાં રામલીલા મેદાનમાં યોજાયેલી રામલીલા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. વર્ષોથી નવરાત્રી પર્વ દરમિયાન રામલીલા મંચનનું આયોજન કરવામાં આવે છે. શહેરી વિસ્તારમાં રામલીલાનો ક્રેઝ ઓછો થઈ ગયો હતો. પરંતુ ધીમે ધીમે ફરી એક વખત લોકો રામલીલા મંચન જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરત ખાતે વૃંદાવનથી આવેલા 33 જેટલા કલાકારો હાલ નવ દિવસ સુધી રામલીલામાં અલગ અલગ પાત્ર ભજવશે. આ કલાકાર રામલીલા ઉપરાંત કૃષ્ણલીલા પણ વર્ષ દરમિયાન કરતા હોય છે. જેના કારણે તેમની આજીવિકા પણ ચાલે છે અને તેઓ પરંપરા અને ભારતીય સંસ્કૃતિને પણ જીવંત રાખી રહ્યા છે.
એક પુત્રએ પિતા માટે અને એક માતાએ પુત્ર માટે કઈ રીતે રહેવું જોઈએ, ઉપરાંત સંબંધ કઈ રીતે જાળવી શકાય તે અંગે આ રામલીલામાં બતાવવામાં આવે છે. લોકો રામાયણ વાંચે છે પરંતુ રામલીલા તેઓ જ્યારે જુએ છે ત્યારે તેમને વધારે રસ આવે છે. -- માધવ શર્મા (રામલીલા કલાકાર)
વૃંદાવનથી આવ્યા કલાકાર : આ 33 કલાકારોમાંથી રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર MA ડિગ્રી સાથે સૌથી વધુ ભણતર ધરાવે છે. જ્યારે ભગવાન રામની ભૂમિકા ભજવનાર હાલ BA સંસ્કૃતમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સૌથી મહત્વની વાત છે કે, પરંપરાગત રીતે ભજવવામાં આવતી રામલીલામાં આજે પણ મહિલાઓને સ્થાન આપવામાં આવતું નથી. જેથી માઁ સીતાની ભૂમિકા પણ પુરુષ કલાકાર દ્વારા ભજવવામાં આવે છે. સુરત ખાતે આયોજિત રામલીલા મહોત્સવમાં સીતાની ભૂમિકા ભજવનાર કલાકાર ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો છે. નોંધનીય છે કે, સીતાની ભૂમિકા ભજવવા માટે આ કલાકાર અવાજથી લઈ તમામ પ્રકારની પ્રેક્ટિસ મહિનાઓ સુધી કરે છે.
રામલીલાની વિશેષતા : આદર્શ રામલીલા સમિતિ દ્વારા આયોજિત રામલીલામાં વૃંદાવનથી શ્રી હિત રાઘવ વલ્લવ રાસલીલા મંડળીના રાસાચાર્ય સ્વામી ત્રિલોકચંદ્ર શર્મા 33 કલાકારો સાથે સુરત આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, દસ દિવસ દરમિયાન તુલસીદાસ રચિત રામાયણ પર આધારિત આ રામલીલા થાય છે. અહીં રામલીલામાં નવ રસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાસ્ય અને વીર રસ સહિત તમામ રસમાં રામલીલા જોવા મળે છે. છેલ્લા બે ત્રણ વર્ષથી રામલીલા જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકોને પરંપરા અને સંસ્કૃતિથી જોડવા માટે રામલીલાનું મંચન થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ મહિલા દ્વારા પાત્ર ભજવવામાં આવતું નથી, એનો અર્થ એ નથી કે મહિલાઓ નિષેધ છે. પરંતુ અહીં જે પુરુષો છે તે વર્ષોથી આ પરંપરા નિભાવતા આવ્યા છે. જોકે, અનેક રામલીલા મંચનમાં મહિલાઓ પણ પાત્ર ભજવતી હોય છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ મહિલા દ્વારા પાત્ર ભજવવામાં આવતું નથી, એનો અર્થ એ નથી કે મહિલાઓ નિષેધ છે. પરંતુ અહીં જે પુરુષો છે તે વર્ષોથી આ પરંપરા નિભાવતા આવ્યા છે. -- ત્રિલોકચંદ્ર શર્મા (રાસલીલા મંડળીના રાસાચાર્ય)
ફક્ત પુરુષ કલાકાર : ભગવાન રામની ભૂમિકા ભજવનાર માધવ શર્માએ જણાવ્યું હતું કે, મારૂ સૌભાગ્ય છે કે હું રામજીની ભૂમિકા ભજવું છું. વૃંદાવનમાં મને લોકો માધવ ઠાકોરજીના નામે ઓળખે છે કારણ કે કૃષ્ણલીલામાં હું કૃષ્ણની ભૂમિકા ભજવવું છું. જ્યારે રામલીલામાં હું શ્રીરામ બનું છું. હું BA સંસ્કૃત ભાષાના ત્રીજા વર્ષમાં ભણું છું. રામલીલામાં અમે બતાવીએ છીએ કે કઈ રીતે એક પુત્રએ પિતા માટે રહેવું જોઈએ. ઉપરાંત એક માતાએ પુત્ર માટે કઈ રીતે રહેવું જોઈએ અને સંબંધ કઈ રીતે જાળવી શકાય તે અંગે આ રામલીલામાં બતાવવામાં આવે છે. લોકો રામાયણ વાંચે છે પરંતુ રામલીલા તેઓ જ્યારે જુએ છે ત્યારે તેમને વધારે રસ આવે છે.
ભક્તિમય વાતાવરણ સર્જાયું : રામલીલામાં સીતા માતાની ભૂમિકા ભજવનાર ભોલાએ જણાવ્યું હતું કે, હું સીતાની ભૂમિકા ભજું છું. પરંતુ આ ભૂમિકા ભજવતા પહેલા મને ત્રણથી ચાર વાતો ધ્યાનમાં રાખવી પડે છે. ઠાકોરજી પ્રત્યે ભાવ રાખવો પડે છે. જેવો રોલ હોય છે તેવો ભાવ પણ હોવો જોઈએ, ત્યારે જ અભિનય કરવાનો આનંદ આવે છે. રામલીલા જોવી એ ખૂબ જ સારી વાત છે, અહીં ભક્તિમય વાતાવરણમાં લોકો લીન થઈ જાય છે.