સુરતના સચિન GIDC વિસ્તારમાં ઝાડીઓમાં લઇ જઇ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ બાળકીને તેના ઘર નજીક છોડી નરાધમ નાસી ગયો હતો. બાળકી રવિવારે પોતાના પિતાની સાથે રામલીલા જોવા ગઈ હતી,આશરે અગિયાર વાગ્યાની આસપાસ બાળકી અચાનક ગુમ થઇ ગઇ હતી. જેની શોધખોળ માટે પિતાએ તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ બાળકી મળી આવી ન હતી.
ચાર વાગ્યાની આસપાસ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘર નજીકથી મળી આવી હતી.માતા-પિતાએઆ અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ આરોપ છે કે સચીન GIDC પોલીસે બાળકીને મેડિકલ માટે આશરે સાતથી આઠ કલાક મોડી સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી. બાળકીને હાલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
રામલીલા જોવા ગયેલી બાળકીને ખબર ન હતી કે ત્યાં રાક્ષસરૂપી વ્યક્તિ તેની નજીક ઉભો છે. પરંતુ સવાલ એ છે કે બાળક ઇજાગ્રસ્ત હોવા છતાં શા માટે પોલીસ તેને મેડિકલ માટે લઈ જવામાં મોડું કર્યુ. આ અંગે જાણવા માટે સચીન GIDC પોલીસ ઇન્સ્પેક્ટર તડવીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓએ વારંવાર ફોન કાપી નાખ્યો હતો. જ્યારે નરાધમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી ગઈ હતી. બાળકીના ઘરની જાણકારી અને બાળકીના ઘરની આસપાસ રહેતા લોકોની તપાસ કરવાનું શરૂ કર્યુ હતું.