સુરત: લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભામાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોદી સરકારના નવ વર્ષના કામોની આપી માહિતી: જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ જીપમાં રહીને જનસભામાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ સી.આર.પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ સુધી કરવામાં આવેલા વિવિધ કામો અને યોજનાઓની માહિતી આપી હતી. તે સાથે જ તેઓ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ સંસદભવનનો વિરોધ કર્યો: સી.આર.પાટીલ દ્વારા જનસભાને સંબોધતી વખતે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર કેટલીક ટિપ્પણીઓ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી લોકસભા બનાવી છે. 92 વર્ષથી અંગ્રેજોના જમાનાની આ લોકસભા જે ગુલામીનું પ્રતીકને કોઈપણ કોંગ્રેસના શાસકોએ નવી લોકસભા બનાવાનો વિચાર નહીં કર્યો. આ દેશનું સ્વભિમાન પોતાની લોકસભા રહેવી જોઈએ એ મોદી સાહેબ બનાવી. પરંતુ રાહુલ બાબા પપ્પુભાઈએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું અમે લોકસભામાં નહીં જઈએ.
રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર: સુરતની કોર્ટે તેમના ગમે તેવા નિવેદનોના કારણે સજા કરી છે. હવે તેઓ છ વર્ષ સુધી લોકસભા લડી શકે તેમ નથી. એટલે હવે આ વખતના ઇલેક્શનમાં એના પછીના ઇલેક્શનમાં એમ 10 વર્ષ સુધી તેઓ લોકસભામાં જઈ શકે તેમ નથી. તો હવે તેઓ વિરોધ કરે તો શું કરે? જે લોકસભામાં જવાનો નથી તો વિરોધ કરવાથી શું થાય? 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જે ઇલેક્શન લડશે. એમાં આવી બધી વિપક્ષી પાર્ટીઓનો એક પણ પ્રતિનિધિ ચુંટાવાનો નથી.
લોકસભાની 26 બેઠકો જીતવા કર્યું આહ્વાન: વધુમાં જણાવ્યું કે એટલે તેઓ પણ વિરોધમાં જોડાઈ ગયા. જેમને લોકસભામાં જવાનું અધિકાર પ્રાપ્ત થવાનો નથી. એ વિરોધ કરે એને શું ફાયદો? મારે આપ સૌને કહેવું છે કે આપ સૌના કામના કારણે ભારતીય જનતા પાર્ટીના સૈનિકોના કારણે આપણે 156 સીટ જીત્યા છીએ. હું ગુજરાત પ્રદેશનો પ્રમુખ બન્યો તે પહેલા એક નહિ બે વખત 26માંથી 26 લોકસભાની બેઠકો તમે બધાએ જીતાવી છે. આ વખતે પણ તમારે ત્રીજી વખત ગુજરાતની 26માંથી 26 સીટ બેઠકો જીતવાની છે.