- ગુજરાતમાં કમોસમી વરસાદ
- સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ
- માવઠાને કારણે ખેડૂતો સહિત સ્થાનિકો પરેશાન
સુરત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા, તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
નોકરી ધંધે જતા લોકો અટવાયા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી. તે મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સુરત શહેરમાં ગત્ત મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો તો બીજી તરફ આજે (શુક્રવાર) વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સુરતમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે, કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ભીંતિ છે.
વાહનો સ્લીપ થયા
સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે રોડ-રસ્તાઓ ચીકણા થયા હતા. જેથી વાહનો સ્લીપ થવાના બનાવો પણ સામે આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
લગ્ન પ્રસંગો અટવાયા
હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને તેમાં પણ 100 જ વ્યક્તિઓને આમંત્રણ આપવાની સરકારે છૂટ આપી છે તો બીજી તરફ રાતે કરફ્યૂ હોવાથી લગ્ન પ્રસંગો દિવસો જ પૂર્ણ કરવા પડે તેમ છે. જેથી કમોસમી વરસાદને કારણે ખુલ્લા પ્લોટમાં આયોજિત લગ્ન પ્રસંગો પણ અટવાઈ પડ્યા હતા. અચાનક પડેલા વરસાદના કારણે મંડપો પલળી ગયા હતા. જેને લઈને આયોજકો પણ ચિંતામાં મુકાયા હતા.