સુરત: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, બારડોલી, મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને તળિયા ઝાટક થઈ ગયેલા જળાશયોમાં નવા નીર આવી રહ્યાં છે. ખેડૂતોના પાકને જીવતદાન મળી ગયું છે, જેથી તેઓ પણ રાજીના રેડ થઈ ગયા છે.
" લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા. ત્યારે સપ્ટેમ્બર મહિનો બેસતા જ ફરી વરસાદી માહોલ જામી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. જેને લઇને અમારા પાકોને વધુ ફાયદો થશે. વરસાદ ખેંચાતા શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી ગયો હતો અને લઈને ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવે તેમ હતો. ત્યારે હાલ સારો વરસાદ વરસતા આ રોગનો પણ નાશ થશે " - મહેન્દ્રભાઈ, ખેડૂત
સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં: સુરત જિલ્લામાં આ વર્ષે વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં વરસ્યો છે. ઓલપાડ તાલુકામાં 542 mm, માંગરોળ તાલુકામાં 710 mm, ઉમરપાડા તાલુકામાં 1523 mm, માંડવી તાલુકામાં 1229 mm, કામરેજ તાલુકામાં 945 mm, સુરત શહેરમાં 945 mm, ચોર્યાસી તાલુકામાં 849 mm, પલસાણા તાલુકામાં 1423 mm, બારડોલી તાલુકામાં 1515 mm અને મહુવા તાલુકામાં 1555 mm વરસાદ નોંધાયો છે.