સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો. જેના કારણે સુરતના ઉધના, લિંબાયત વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી. ઉધના નવસારી મેઈન રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ડેપ્યુટી મેયરના ઘર પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. માત્ર બે કલાકમાં શહેરમાં એક ઇંચ વરસાદ જ્યારે ચોર્યાસી તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
મેઘરાજાની સવારી: સુરતમાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સુરત શહેરમાં ગત મોડી રાત થી સવાર સુધી વરસ્યો હતો. સૌથી વધુ ઉધના અને લિંબાયત ઝોનમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉધના નવસારી મેઈન રોડ પર પાણી ભરાઈ જતા સ્કુલ, તેમજ નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધી વરસેલા વરસાદના કારણે જનજીવન પર તેની અસર વર્તાઈ હતી.
પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી: ઉધના નવસારી મેઈન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. કેટલાક વાહન ચાલકોના વાહનો પણ ભરાયેલા પાણીના કારણે બંધ થઇ ગયા હતા. બીજી તરફ લિંબાયત વિસ્તારમાં ડેપ્યુટી મેયરના ઘર પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને ત્યાં સ્થાનિક તેમજ વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી હતી. તો બીજી તરફ મનપાની ટીમ પણ દોડતી થઇ હતી અને પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે વરસાદે વિરામ લીધાના બે થી 3 કલાક બાદ પણ રસ્તા ઉપરથી પાણી ઓસર્યા ના હતા. જેથી લોકોને ખુબ જ હાલાકી પડી હતી, મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ઉઘાડી પડી હતી.