સુરત : ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવા માટે માત્ર રુ. 5,000 માં આધારકાર્ડ બનાવી આપનાર આરોપીની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ સુરત PCB એ નવ બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, મુંબઈ પાલઘર CHC સેન્ટર ચલાવનાર ભુપેન્દ્ર તિવારીએ રુ. 5000 લઈ તેમને બોગસ આધારકાર્ડ બનાવીને આપ્યા હતા.
બોગસ આધાર કાર્ડ રેકેટ : ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશી નાગરીકોને માત્ર 5000 રૂપિયામાં આધારકાર્ડ બનાવી આપનાર આરોપીની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નવ જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બોગસ પ્રમાણપત્રના આધારે ભારતીય બની ગયા હતા અને એટલું જ નહીં તેમણે આ ડોક્યુમેન્ટના આધારે મિલકત અને કાર માટે લોન પણ મેળવી લીધી હતી. પોલીસે આ આરોપીઓની પૂછપરછ શરૂ કરી ત્યારે સમગ્ર રેકેટનો ખુલાસો થયો હતો. માત્ર 5000 રૂપિયા લઈ ગેરકાયદેસર ભારતમાં આવેલા બાંગ્લાદેશીઓને આધાર કાર્ડ બનાવી આપવામાં આવતા હતા.
માત્ર પાંચ હજારમાં આધારકાર્ડ : આ મામલે સુરત ACP આર.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, આ નવ આરોપી પૈકી બહાદુર રફીક ખાને પોલીસને જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર તિવારી પાલઘરના CHC સેન્ટરનો સંચાલક છે. તેણે આધારકાર્ડ બનાવીને આપ્યા હતા. આરોપી બહાદુર એક એજન્ટ મારફતે 20 હજાર રૂપિયા આપી ભારતમાં ઘૂસ્યો હતો.
આરોપી ઝડપાયો : કડિયા કામ કરતા બહાદુરે ભૂપેન્દ્ર તિવારીને 5000 રૂપિયા આપીને બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું. ઉત્રાણ પોલીસે આરોપી ભૂપેન્દ્ર તિવારીની ધરપકડ કરી છે અને આવી જ રીતે અન્ય કેટલા લોકો પાસેથી પૈસા લઈ આધાર કાર્ડ બનાવી આપ્યા છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીને ભૂપેન્દ્ર તિવારીએ 2018 માં બોગસ આધાર કાર્ડ બનાવીને આપ્યા હતા.