- PSI અમિતા જોશી આત્મહત્યા કેસમાં 5ની ધરપકડ
- ASI અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ કરી હતી આત્મહત્યા
- 2 નણંદ અને સાસુ-સસરા સહિત પતિની ધરપકડ
સુરત : મહિલા PSI અમિતા જોશીના આત્મહત્યા કેસમાં તેના પોલીસ પિતા દ્વારા પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. તેમજ તેના પતિના આડા સબંધનું રેકોર્ડિંગ પણ સોપવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું
સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI અમિતા જોશીએ ફાલસાવાડી ખાતે પોતાના રૂમમાં જઈ પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં હવે નવો જ વળાંક આવ્યો છે. PSIના નિવૃત પોલીસ પિતાએ આ મામલે તેના સાસરિયાઓ પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને નણંદ અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તરફથી પોલીસને વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનો દાખલ થતા જ આરોપીઓ સુરતથી તમામ સમાન લઇ ફરાર થઇ ગયા હતા. જેથી તેમને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા અને ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાસરિયા અવાર-નવાર રૂપિયા માંગતા હતા
ઉલ્લેખનીય છે કે, ASI અમિતા જોશીએ પખવાડિયા પહેલા ફાલસાવાડી પોલીસ લાઈનમાં આત્મહત્યા કરી હતી. કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહેતા હતા અને અવાર-નવાર રૂપિયા માંગતા હતા તેમજ પગારનો હિસાબ પણ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાનજનક લાગતું હતું. આ સાથે અમિતાના પતિ વૈભવને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતા.
અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ કરી હતી આત્મહત્યા
અમિતા જોશી પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી અને ત્યારબાદ 2013માં સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા આપી પાસ થઈ હતી. અમિતા જોશીનું પોસ્ટિંગ 2018માં સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં થયું હતું. તે દરમિયાન 5 ડિસેમ્બરે અમિતા જોશીએ રિંગ રોડ ફાલસા વાડી ખાતે પોતાના સરકારી મકાનમાં સરકારી રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બની તે દિવસે અમિતાના પિતા બાબુભાઈ જોષીએ પુત્રીએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી જાતને હત્યા કરી છે તેવા આક્ષેપો કર્યા હતા.