- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- લોકડાઉનના ભયથી શ્રમિકો હિજરત કરી રહ્યા છે
- ખાનગી બસમાં 56ની બેઠક સામે 120 શ્રમિકને બેસાડ્યા
- શ્રમિકોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવ્યો
સુરતઃ શહેરમાં લોકડાઉનના ભય અને અફવાના કારણે છેલ્લા કેટલાક સમયથી શ્રમિકો હિજરત કરવા પર મજબૂર થયા છે. ટ્રેન અને બસ મારફતે ઉત્તરપ્રદેશ, બિહારના શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. આ વચ્ચે ટ્રાવેલ્સ સંચાલકો તેમની મજબૂરીનો લાભ લઇ 56ની સીટમાં 120 લોકોને બસમાં બેસાડી રહ્યા છે. હાલ શ્રમિકોની હાલત કફોડી બની છે. સંચાલકો 2100 રૂપિયા લઈને પણ તેમને તેમના કહેવા પ્રમાણે સ્થળ પર છોડતા નથી. બે લોકોની સીટ પર 7થી 8 શ્રમિકોને બેસાડવામાં આવે છે. બન્ને સાઇડની વચ્ચે જે ચાલવા માટે જગ્યા હોય છે ત્યાં શ્રમિક ઊંઘવા પર મજબૂર થયા છે.
આ પણ વાંચોઃ લોકડાઉનના ડરથી રાજકોટ રેલવે સ્ટેશન બહાર પરપ્રાંતીય શ્રમિકોની 1 કિમી લાંબી કતાર
7 લોકોને ઉત્તરપ્રદેશ મોકલવા માટે 14,700 રૂપિયા લીધા
ટ્રાવેલ્સ એજન્સીઓ લૂંટ મચાવી રહી છે અને બીજી બાજુ યાત્રીઓને બસની બેઠક ક્ષમતા કરતા ડબલ બેસાડવામાં આવી રહ્યાં છે. સુરતની એક આનગી બસ ટ્રાવેલ્સ એજન્સીએ 7 લોકોને ઉત્તરપ્રદેશ મોકલવા માટે 14,700 રૂપિયા લીધા હતા અને જણાવવામાં આવ્યું હતું કે, આ બસ ગોરખપુર જશે પરંતુ તમામ શ્રમિકોને પ્રયાગરાજ ઉતારી દેવામાં આવ્યા હતા. 24 કલાકની આ યાત્રામાં તેઓ એક જગ્યા ઉપર બેસવા માટે મજબૂર થયા હતા.
આ પણ વાંચોઃ હજુ પણ અફવાના કારણે સુરતમાં શ્રમિકો કરી રહ્યા છે પલાયન
ડબલની સીટમાં જબરજસ્તી સાત લોકોને બેસાડ્યા
આ બસમાં સવાર થઈ શેષનાગ પ્રજાપતિ નામના શ્રમિક ઉત્તરપ્રદેશ પહોંચી ગયા પરંતુ તેમને આ દયનીય યાત્રા અંગે જણાવ્યું હતું કે, તે સચિન વિસ્તારમાં રહે છે અને સાડી પર ડાઇંગ પ્રિન્ટીંગનું કામ કરે છે. ત્યાંથી તે સહારા દરવાજા આવ્યો અને બસમાં બેસવા માટે ટ્રાવેલ એજન્સી દ્વારા પ્રતિ વ્યક્તિ 2100 રૂપિયા લેવામાં આવ્યા હતા. ટ્રાવેલ એજન્સીના સંચાલકે ડબલની સીટમાં જબરજસ્તી સાત લોકોને બેસાડ્યા હતા. તેમણે આપત્તિ વ્યક્ત કરી તેમ છતાં તેને સાંભળી નથી.