સુરત: ચોમાસામાં બંધ એગ્રીકલ્ચર લાઈન ટ્રાન્સફોર્મર ચોરો માટે મોકળું મેદાન સાબિત થાય છે. દર ચોમાસામાં બંધ પડેલી એગ્રીકલ્ચર લાઈનમાં એલ્યુમિનિયમ વાયર અને ટ્રાન્સફોર્મરોની ચોરી નોંધાય છે. આ વર્ષે પણ ચોરો દ્વારા ઠેર ઠેર ચોરી શરૂ કરી છે. માંગરોળ તાલુકાના શેઠીથી ગુટી જતી એગ્રીકલ્ચર લાઈનમાં 60થી વધુ ગાળા વીજવાયરોની ચોરી કરી ગયા છે. જેમાં અઢી કિમી જેટલી લાંબી વીજ લાઈનનો સમાવેશ થાય છે. જેની બજાર કિંમત 3.60 લાખ જેટલી થાય છે.
નુકસાન થવાની શક્યતા: એક બાજુ ચોમાસું ખેંચાયું છે. ખેતીના પાકોમાં હાલ પાણીની વ્યાપક પ્રમાણમાં જરૂર છે. આ વિસ્તારમાં આવેલા 250થી 300 વીંઘા જમીનમાં ડ્રીપ આધારિત ખેતી થાય છે. જેમાં ફરજિયાત વીજળીની જરૂરિયાત પડતી હોય છે. ખેડૂતો માટે આ સમય દરમિયાન બંધ થયેલી વીજ લાઈનને કારણે પાક સૂકવવાની નોબત આવી છે. જેથી ખેડૂતોને ખેત ઉત્પાદનમાં નુકસાન થવાની શક્યતા છે.
'હાલ સમગ્ર ઘટનાની જાણ કોસબા પોલીસને કરવામાં આવી છે. ફરીથી વીજ પુરવઠો કાર્યરત થાય એ દિશામાં કામગીરી હાલ શરૂ છે.'-હિતેશ ભાઈ, DGVCL ના અધિકારી
ચોરીની ઘટનામાં વધારો: થોડા મહિના અગાઉ બારડોલી અને પલસાણા પોલીસ મથક વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ વાયર ચોરી કરનાર ગેંગે તરખાટ મચાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. સામા ઉનાળાના સમયે એકબાદ એક એક એગ્રીકલ્ચર વીજ વાયર ચોરાવવાની ઘટના સામે આવતા છેલ્લા 6 મહિનામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જવાબદાર અધિકારી દ્વારા પલસાણા પોલીસ મથકમાં કુલ 12 તેમજ બારડોલી રૂરલ પોલીસ મથકમાં 14 પોલીસ ફરિયાદ આપવામાં આવતા પોલીસે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એકટ પ્રમાણે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.